Get The App

ડુપ્લિકેટ હિના પાવડર અને હેર કલર બનાવવાનું કૌભાંડ પકડાયું

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News

ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં પેથાપુરમાંથી

ઘરમાં બ્રાન્ડેડ કંપનીનું બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હોવાનો પર્દાફાશઃમાલ સીઝ કરીને પરિક્ષણ માટે મોકલાયો

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુરમાં મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલકના ઘરેથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ગાંધીનગર વડી કચેરી અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગ ટીમે બાતમીના આધારે દરોડો પાડી અહીંથી ઝેબા મહેંદી-હેના પાવડર સહિતની ડુપ્લિકેટ બનાવટો બનતી હોવાનો પર્દાફાશ થયો છે.

જીવન જરૃરી દવાઓ અને કોસ્મેટિક ઉત્પાદનો ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાનું બનાવીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. ત્યારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર વડી કચેરી અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગ ટમે બાતમીના આધારે પેથાપુરમાં દરોડા પાડયા હતા. પેથાપુરમાં  પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકીના ઘરે તપાસ કરતા ત્યાંથી ઝેબા મહેંદી-હિના પાવડર , અને હેર કલર જેવી બનાવટી પ્રોડક્ટ્સનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું.

આ દરોડા દરમિયાન અમદાવાદ તથા રાજસ્થાનની બ્રાન્ડેડ કંપની પણ હાજર રહી હતી. પેથાપુરમાંથી ડુપ્લિકેટ હેર કલર અને હિના પાવડરનું કૌભાંડ પકડાયું છે ત્યારે અત્યાર સુધી બજારમાં રૃ. ૩૦ લાખની કિંમતનો મુદ્દામાલ વેચાઇ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. તો અહીંથી રૃપિયા ૧.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.બે નમૂના પૃથ્થકરણ માટે લેવાયા. આરોપીઓ પેકિંગ અને પ્રિન્ટિંગ મટિરિયલ મે. શ્લોક ઇન્ડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી મેળવતા હતા, પરંતુ તેનું કોઈ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા. 

Tags :