આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ
રાજકોટના આધાર કેન્દ્રમાં દરોડામાં કૌભાંડ ખુલ્યું : આધાર કેન્દ્રના ઓપરેટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ, ડોકયુમેન્ટસમાં ચેડાં કરવા બદલ રૂ. 200થી વધુ રકમ પડાવતા હતા
રાજકોટ, શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતે આવેલા આધાર કેન્દ્રમાં નામ, સરનામા સુધારવા માટે આવતા ગ્રાહકોના ઓરીજીનલ ડોકયુમેન્ટસ લઈ તેમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જરૂરી ચેડાં કરી તેને આધારની ઓનલાઈન સાઈટ ઉપર અપલોડ કરવાનું કારસ્તાન ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા આધારકાર્ડમાં ખોટી રીતે સુધારા-વધારા કરી અપલોડ કર્યા તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. આધાર કેન્દ્રમાં કોઈ ગ્રાહક આવે અને પોતાના નામ-સરનામામાં સુધારા-વધારા કરવાનું કહે પરંતુ આ અંગેના તેની પાસે જરૂરી સર્ટીફિકેટ કે પુરાવા ન હોય તો ઝડપાયેલી ટોળકી કોમ્પ્યૂટર અને પ્રિન્ટરની મદદથી તેના ઓરીજીનલ ડોકયુમેન્ટને સ્કેન કરી તેમાં જરૂરી સુધારા-વધારા કરી પછીથી આવા ચેડાં કરેલા ડોકયુમેન્ટસને આધારની સાઈટ ઉપર અપલોડ કરી પૈસા પડાવતી હતી. આ કૌભાંડ અંગે માહિતી મળતાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતે આવેલા આધાર કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી ઓપરેટર રવિ ખીમજી ધધાણીયા (ઉ.વ.ર૬, રહે. છોટુનગર મેઈન રોડ, રૈયા રોડ) અને કમિશન એજન્ટ હરેશ પ્રાગજી સાકરીયા (ઉ.વ.44, રહે. રામનગર સોસાયટી, નવા થોરાળા)ને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓએ આપેલી માહિતીને આધારે રૈયા રોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં સ્થિત જન સુવિધા કેન્દ્ર (શિવમ ઈન્ફોટેક)માં દરોડો પાડી ત્યાંથી તેના બે સંચાલક સાર્થક જયંતિભાઈ બોરડ (ઉ.વ.ર૯, રહે. સ્કાય હાઈટસ, ગોર્વધન ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ), ધનપાલ રમેશભાઈ બોરીચા (ઉ.વ.ર૮, રહે. ભીડભંજન સોસાયટી, સાધુ વાસવાણી રોડ), બે એજન્ટ બીપીન ઉર્ફે વિશાલ પ્રવીણભાઈ ચોવટીયા (ઉ.વ.૩૬, રહે. વિવેકાનંદનગર, કોઠારીયા મેઈન રોડ) અને જુગેશ સાધુરામભાઈ બેશરા (ઉ.વ.૩ર, રહે. બજરંગવાડી, જામનગર રોડ)ને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતેના આધાર કેન્દ્રમાં કોઈ ગ્રાહક જયારે નામ કે સરનામામાં સુધારા-વધારા કરાવવા આવે અને તેની પાસે આ માટેના જરૂરી ડોકયુમેન્ટસ ન હોય તો તેના ઓરીજીનલ ડોકયુમેન્ટસ રવી લઈ લેતો હતો. જેમાં બાદમાં સાર્થક અને ધનપાલ પોતાની ઓફિસના કોમ્પ્યુટરમાં બે સોફટવેરનો ઉપયોગ કરી ડોકયુમેન્ટના બેકગ્રાઉન્ડ રિમુવ કરી બનાવટી ડોકયુમેન્ટ બનાવી તેની કલર પ્રિન્ટ કાઢી ઓપરેટર રવી પાસે મોકલી દેતા હતા. જે પછીથી આ ડોકયુમેન્ટસ આધારની સાઈટ ઉપર અપલોડ કરતો હતો. આ સમગ્ર કૌંભાડમાં હરેશ, બીપીન અને જુગેશ કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. ગ્રાહકો પાસેથી આ કામ માટે રૂ. 200થી વધુ રકમ પડાવતા હતા.
લગ્ન, બર્થ સર્ટીફિકેટ કે પાનકાર્ડમાં જરૂરી ચેડાં કરી આપતા હતા
રાજકોટ, : ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે કોઈ મહિલા ગ્રાહક લગ્ન પછી પોતાના આધારકાર્ડમાં નામમાં સુધારો કરાવવા આવે તો ફોટાવાળુ મેરેજ સર્ટીર્ફિકેટ જરૂરી હોય છે. પરંતુ તેની પાસે જો ફોટાવાળું મેરેજ સર્ટીફિકેટ ન હોય તો ઝડપાયેલી ટોળકી તેમાં ચેડાં કરી ફોટાવાળું મેરેજ સર્ટીફિકેટ બનાવી આપતી હતી. જો પાનકાર્ડ બારકોડ વગરનું હોય તો તેમાં બારકોડ સ્કેન કરી આપતી હતી. જન્મ તારીખના દાખલામાં નામમાં જો નાનો-મોટો સુધારો કરવાનો હોય તો તે પણ કરી આપતી હતી.