બરોડા ડેરીમાં સભાસદોના નામે બહારનું દૂધ ભરવાનું કૌભાંડ,પાંચ મૃત સભાસદોને 39 લાખનું ચૂકવણું
વડોદરાઃ વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી)માં દૂધ ભરતી મેરાકુવા દૂધ મંડળીમાં ત્રણ વર્ષ દરમિયાન મૃત સભાસદોના નામે દૂધ ભરીને રૃ.૩૯ લાખ ઉપરાતંની રકમ ઉપાડવામાં આવી હોવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ તપાસની માંગણી કરાતાં જિલ્લા પોલીસ વડાએ ડેસરના પીઆઇને તપાસ કરવા સૂચના આપી છે.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલી મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં પાંચ મૃત સભાસદો(પશુપાલક) ના નામે લાખો રૃપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.આ મંડળીમાં પાંચ સભાસદોના મૃત્યુ થયા પછી લાંબા સમય સુધી રોજ નું સરેરાશ ૬૦ થી ૭૦ લીટર જેટલું દૂધ ભરવામાં આવ્યું હતું અને તેનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.
સાવલીના ધારાસભ્યએ સભાસદોના મરણ દાખલા,તેમના નામે મંડળીમાં ભરવામાં આવેલા દૂધ અને ચૂકવાયેલી રકમના પુરાવા સાથે મુખ્યમંત્રી, ડેરીના ચેરમેન,એમડી અને સહકાર વિભાગને રજૂઆત કરી છે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે,જો એક દૂધ મંડળીમાં આ પ્રકારની ઉચાપત થતી હોય તો વડોદરા,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની દૂધ મંડળીઓમાં પણ આ પ્રકારની ઉચાપત થતી જ હશે.જેની તપાસ થવી જરૃરી છે.
મેરાકુવા દૂધ મંડળીના પ્રકરણમાં એવી પણ ગંભીર બાબત જણાવાઇ છે કે,સભાસદોના દૂધના ફેટ,ભરાયેલા દૂધનું વજન અને ચૂકવાયેલી રકમના આંકડા રોજેરોજ એકસરખા છે.જેથી તેમાં કૌભાંડની આશંકા સ્પષ્ટ દેખાઇ રહી છે.
પશુપાલકોને અપાતા બેન્ક અધિકાર પત્રનો દૂરુપયોગ
મળતી માહિતી મુજબ,બેન્કમાંથી દૂધના રૃપિયા ઉપાડવા માટે જે પશુપાલક બેન્કમાં જઇ ના શકે તેની લેખિતમાં સંમતિ લેવામાં આવે છે.જે સંમતિને અધિકાર પત્ર કહેવાય છે.મંડળીના મંત્રી દ્વારા આવા અધિકાર પત્ર મારફતે રૃપિયા ઉપાડવાાં આવતા હોય છે.જે અધિકાર પત્ર બાબતે પશુપાલકને જાણ કરવામાં આવતી નથી અને સમયાંતરે તેનું વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી.જેથી પશુપાલકના મૃત્યુ પછી પણ તેનું એકાઉન્ટ ચાલુ રહે છે અને વ્હવહાર થતા હોય છે.