મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા ઃ બેડ ઉપર નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો
સેક્ટર-૨૪ની પાઠયપુસ્તક મંડળની કોલોનીમાં
હાથ ઉપર ઈજાના નિશાન મળી આવ્યા, દરવાજાને બહારથી નકુચો મારેલો હતો ઃ મહિલા કોન્સ્ટેબલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં હતાં
ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી પાઠયપુસ્તક મંડળની
કોલોનીમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શાહીબાગ ખાતે ફરજ બજાવે છે.
ગઈકાલે તેના ભાઈ અને ભાભી વતન ભાવનગર ખાતે નિવેદ કરવા માટે ગયા હતા. આ દરમિયાન
ગઈકાલે રાત્રે આ મહિલા કોન્સ્ટેબલ તેનું મોપેડ લઈને ઘરે આવી હતી. ત્યારે આજે
સવારના સમયે તેના ભાઈ દ્વારા તેણીનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો
પરંતુ તેમણે ફોન ઉપાડયા ન હતા. જેના પગલે તે ચિંતામાં મુકાઈ ગયો હતો અને ત્યારબાદ
પાડોશીને જાણ કરી હતી. જેથી તેમણે ઘરે જઈને તપાસ કરતા મકાનના દરવાજાને બહારથી
નકુચો લગાવેલો હતો. જે ખોલીને અંદર જોતા આ મહિલા કોન્સ્ટેબલ નગ્ન હાલતમાં પડી હતી.
જે સંદર્ભે તુરંત જ તેના ભાભીને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૧૨ હેલ્પલાઇનની
મદદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યાં તપાસ કરવામાં આવતા મહિલા કોન્સ્ટેબલ
મૃત હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સેક્ટર ૨૧ પોલીસની ટીમ સ્થળ
ઉપર પહોંચી હતી એના તપાસ આરંભી હતી. જ્યાં મહિલાના હાથ ઉપર ઈજાના નિશાન હોવાનું
જણાયું હતું. ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની
ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. આ મહિલા કોન્સ્ટેબલની હત્યા થઈ હોવાની શંકાને આધારે
પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે અને તેની કોલ ડીટેલ પણ મંગાવી લેવામાં આવી
છે. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં
આવ્યો છે અને કેવી રીતના તેનું મોત થયું તે જાણવા માટે મથામણ હાથ ધરવામાં આવી છે.
પોલીસે પ્રેમીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૃ કરી
સેક્ટર-૨૪માં મહિલા કોન્સ્ટેબલની હત્યા પ્રકરણમાં ગાંધીનગર લોકલ
ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ કામે લાગી હતી ત્યારે ગણતરીના સમયમાં જ એલસીબી દ્વારા આ મહિલા
કોન્સ્ટેબલના પ્રેમીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ શરૃ કરવામાં આવી
છે. કયા સંજોગોમાં તેણે આ હત્યા કરી અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે હાલ
મથામણ કરવામાં આવી રહી છે.આવતીકાલે પોલીસ આ પ્રકરણમાં વધુ પ્રકાશ પડશે તેમ જાણવા મળી
રહ્યું છે.