ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
આંગણવાડી નં-૯ની મહિલા સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી
ગોલીડાની પ્રા.શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલકને તાત્કાલીક અસરથી છુટ્ટા કરી દેવામાં આવ્યા
સુરેન્દ્રનગર - ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ હાથ ધરતા આંગણવાડી-૯ ના મહિલા સંચાલીકા દ્વારા સરકારી જથ્થાને સગવગે કરવાનુું કૌભાંડ ઝડપાયું છે. તંત્રની ટીમે મહિલા સંચાલિકા સહિત બે શખ્સ સામે ગુનો નોંધી સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો.
ચોટીલા-થાન રોડ પર આવેલી સાંઈધામ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધરમી આંગણવાડી ચોટીલા-૯ના બાલશક્તિના ૧૦ કિલોના ૦૫ કટ્ટા, પૂર્ણ શક્તિના ૧૦ કિલોનુ ૧ કટુ સહિત કુલ ૬ કટ્ટા કિંમત રૃા.૬,૭૦૯ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા સરકારી ગોડાઉન ખસેડયો હતો. તપાસ દરમિયાન આંગણવાડી ચોટીલા-૯ના મહિલા સંચાલિકા અંજનાબેન ત્રિભોવનભાઈ રાઠોડ (રહે.ચોટીલા)એ હિતેન્દ્રસિંહને સરકારી જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી બંને વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોલીડા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનની પણ ચેકિંગ કરતા સ્ટોક, જમવાનું સહિતના રજીસ્ટરોમાં ક્ષતિઓ જણાઈ આવી હતી તેમજ ભોજન લીધેલ વિદ્યાર્થીઓ ૧૨૬ દર્શાવવામાં આવ્યા હતા જે ક્રોસ વેરીફીકેશન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૨ હોવાનું બહાર આવ્યું હતું. આમ અનેક પ્રકારની ગેરરીતીઓ સામે આવતા મધ્યાહન ભોજનના સંચાલક અજ્યભાઈ પ્રભુભાઈ મેણીયા (રહે.ગોલીડા)ને તાત્કાલીક અસરથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા.