Gujarat

અપરિણીત યુવાન અને 3 સંતાનોની માતાની આત્મહત્યા

By GS TEAM
19 Jun 20252 mins read
અપરિણીત યુવાન અને 3 સંતાનોની માતાની આત્મહત્યા

પડધરીનાં ન્યારા ગામે અવાવરૂ જગ્યામાં  યુવાન મૂળ અમરેલીના નાના માચીયાળાનો વતની, : મહિલા અગાઉ તેની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતી હતી

રાજકોટ, : પડધરીનાં ન્યારા ગામમાં આવેલી અવાવરૂ જગ્યામાં યુગલે ઝેરી ટિકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાન અમરેલીનાં નાના માચીયાળા ગામનો વતની છે. જયારે મહિલા મૂળ મધ્યપ્રદેશની વતની છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં બંનેએ સજોડે આ પગલું ભરી લીધાની શક્યતાં દર્શાવી પડધરી પોલીસે તપાસ જારી રાખી છે. પડધરી પોલીસની તપાસમાં ખુલ્યા પ્રમાણે આપઘાત કરનાર વિનુભાઈ બાબુભાઈ જાવીયા (ઉ.વ. 39), નાનામાચીયાળામાં ખેતી કરે છે. બે ભાઈમાં નાનો અને અપરિણીત છે. તેની સાથે આપઘાત કરનાર મહિલા મૂળ મધ્ય પ્રદેશની વતની છે. અને ત્રણ સંતાનોની માતા છે. અગાઉ આ મહિલા વિનુભઈની વાડીએ પરિવાર સાથે ભાગીયા તરીકે કામ કરતી હતી. હાલમાં બાબરકુંડલા નજીક પરિવાર સાથે વાડી વાવતી હતી. આ મહિલા અગાઉ જયારે વિનુભાઈની વાડી વાવતી હતી ત્યારે બંને વચ્ચે સંબંધ બંધાયાની શક્યતા છે.

ગઈકાલે રાત્રે બંને નિકળી ગયા બાદ ન્યારા પાસે આવેલી અવાવરૂ જગ્યામાં ઘઉંમાં નાખવાનાં ટિકડા ખાઈ લીધા હતાં. જાણ થતાં પડધરીનાં એએસઆઈ કે.કે. જાડેજા અને ૧૦૮નો સ્ટાફ પહોંચ્યો હતો. જેણે વિનુભાઈને મૃત જાહેર કર્યા હતાં. જયારે મહિલા તરફડીયા મારતી હોવાથી તેને રાજકોટની સિવીલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જયાં તેણે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. આ પગલું ભરતા પહેલા વિનુભાઈએ અમરેલી રહેતા મોટાભાઈ દિનેશભાઈને ન્યારા પાસે અગાઉ પોતાને ત્યાં ભાગીયા તરીકે કામ કરતી મહિલા સાથે ઝેરી ટિકડા ખાઈ લીધાની જાણ કરતા પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા હતાં. પોલીસે જણવ્યું કે આપઘાત કરનાર મહિલાનો પતી હજુ આવ્યો નથી. માવતર પક્ષનાં સભ્યો મધ્યપ્રદેશથી રાજકોટ આવવા નિકળી ગયા છે.