પેટલાદના મોરડ ગામમાં વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કર્યાનું ખૂલ્યું
બે દિવસ અગાઉ દારૂ વેચતી વૃદ્ધાની લાશ મળી હતી
પૌત્રે દાદીના મૃત્યુનું રહસ્ય ખોલ્યું : વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી તોડી બે શખ્સો ફરાર
પેટલાદ તાલુકાના મોરડ ગામની અછીપુરા સીમમાં આવેલ ખેતરમાં રહેતી ૭૫ વર્ષીય ધુળીબેન બુધાભાઈ પરમારની લાશ ગત તા. પાંચમી ઓગસ્ટના રોજ મળી હતી. જે અંગેની જાણ મહેળાવ પોલીસને થતા પોલીસની ટીમે લાસને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ધુળીબેનના ૧૫ વર્ષીય પૌત્રે ધૂળી દાદી કેવી રીતે મરી ગયા તે અંગે તે જાણતો હોવાનું માતા-પિતાને જણાવ્યું હતું. જેથી તેને પૂછપરછ કરતા ધૂળી દાદી છેલ્લા કેટલાક સમયથી ઘરથી થોડે દૂર આવેલ ખેતરમાં એકલવાયું જીવન જીવવા સાથે દેશી દારૂ વેચતા હતા. સિહોલ ગામે રહેતો અમરતભાઈ ઉર્ફે લોટીયો પ્રભાતભાઈ તળપદા તેમને ત્યાં મજૂરી અર્થે આવતો હતો. ગત તા. પાંચમીના રોજ અમરત તથા તેની સાથે અન્ય એક શખ્સ ધૂળી દાદીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં અન્ય શખ્સે દાદીને પાછળથી પકડી રાખ્યા હતા અને અમરતભાઈએ ધુડી બેને કાનમાં પહેરેલા રૂા. ૧૦,૦૦૦ની કિંમતની સોનાની બુટ્ટીઓ તોડીને લૂંટી ફરાર થઈ ગયા હતા. દરમિયાન ધુળીબેન જમીન ઉપર પડી જતા હરીશ દોડીને તેમની પાસે ગયો હતો અને તપાસ કરતા તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બાબત બહાર આવતા રામાભાઈ ઉર્ફે ટીકા ભાઈ પરમારે મહેળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમરતભાઈ તળપદા તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.