વડોદરા,બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવાયાર્ડ વિસ્તારમાં રહેતું દંપતી અલગ - અલગ કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનો પુત્ર ધો.૯ માં અભ્યાસ કરે છે. જ્યારે નાનો પુત્ર વાસદની કોલેજમાં બી.સી.એ.માં અભ્યાસ કરે છે. ગઇકાલે કોલેજથી પાંચ વાગ્યે આવ્યા પછી વિદ્યાર્થી ઘરે જ હતો. તેના પિતા સાંજે સાત વાગ્યે ઘરે આવતા હોય છે. પરંતુ, સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હોઇ તેના પિતા સાંજે ઘરે વહેલા આવ્યા હતા. તેમનો પુત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર નહતો. પહેલા માળે જઇને જોતા રૃમનો દરવાજો થોડો ખુલ્લો હોઇ તેમણે અંદર જઇને જોયું તો તેમના પુત્રે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, જીવ બચી શક્યો નહતો. પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી તેમજ મોબાઇલ ફોન પણ લોક છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


