Get The App

ઓઢવ ડ્રેનેજમાં એકના મોત મામલે વોર્ડકક્ષાના અધિકારીઓ ઉપર ઠીકરુ ફોડાયુ, ચારને શોકોઝ

દસ કલાકની જહેમત પછી તણાયેલા વ્યકિતનો મૃતદેહ બહાર કઢાયો હતો

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
ઓઢવ ડ્રેનેજમાં એકના મોત મામલે વોર્ડકક્ષાના અધિકારીઓ ઉપર ઠીકરુ ફોડાયુ, ચારને શોકોઝ 1 - image

       

 અમદાવાદ,સોમવાર,30 જુન,2025

અમદાવાદમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદમાં ઓઢવ ખાતે ડ્રેનેજ લાઈનમાં એક બાઈક સવાર તણાયો હતો. દસ કલાકની જહેમત પછી ફાયરના જવાનોએ તેમનો મૃતદેહ બહાર કાઢવામા સફળતા મેળવી હતી. મોત જેવી ગંભીર ઘટના પછી મ્યુનિસિપલ કોર્પોરેશને વોર્ડ કક્ષાના આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર જેવા અધિકારીઓ ઉપર જવાબદારીનુ ઠીકરુ ફોડી ચારને  શોકોઝ નોટિસ આપી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જો કે આ બાબતમાં અધિકારીઓએ જવાબ આપવાનુ પણ ટાળી દીધુ હતુ.

બુધવારે  રાતે ૮.૫૦ કલાકના સુમારે ઓઢવના અંબિકાનગર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં તણાતા વરસાદી પાણીના પ્રવાહની  સાથે બાઈક સાથે બેલા પાર્કમાં રહેતા મનુભાઈ પિતાંબરદાસ પંચાલ તણાઈ ગયા હતા.જે પછી ફાયરના જવાનો દ્વારા ગુરુવારે સવારે ૨૦૦ ફુટ અંદર જઈ તેમનો મૃતદેહ દોરડાની મદદથી બહાર કાઢયો હતો. ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટની  રુપિયા ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચથી કામગીરી ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની કામગીરીના સ્થળ ઉપર યોગ્ય રીતે બેરીકેડીંગ કરાયુ છે કે કેમ વગેરે જેવી બાબત ચકાસવાની જવાબદારી હોય છે. આમ છતાં વોર્ડ કક્ષાના અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવતા મ્યુનિ.વર્તુળોમા આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.

Tags :