સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફે મંજૂરી આપી હતી સિંહો માટે આ નિર્ણય નુકસાનકર્તા સાબિત થાય : કુદરતી ઈકો સિસ્ટમ પર અસર થશે એવી ટકોર સાથે માત્ર રિસર્ફેસિંગની મંજૂરી
જૂનાગઢ, : ગીરના રસ્તાને પહોળો કરવાની રાજ્યના સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને પ્રકરણ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી રસ્તાને પહોળો કરવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે. સિંહોની સલામતી ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગીર-સોમનાથ જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા તાલાળા-જામવાળા રસ્તા પર આવતા અભયારણ્યના બામણાસા-જામવાળા રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. રસ્તો પહોળો કરવા માટે ગીર અભયારણ્યની ૧.ર૯૯ હેક્ટર જમીનના ઉપયોગની દરખાસ્ત કરવામાં આવી હતી. રાજ્યના સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફમાં આ અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી, તેણે અભયારણ્યની જમીન આપી રસ્તો પહોળો કરવા માટેની મંજુરી આપી હતી. ત્યારબાદ કેન્દ્રના નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની તા.૧ર માર્ચ ર૦રપના યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની ૮રમી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં સભ્ય ડો. એચ.એસ. સિંહે આ અંગે કહ્યું હતું કે, સિંહો માટે આ નિર્ણય નુકસાનકર્તા સાબિત થાય તેમ છે. કુદરતી ઈકો સિસ્ટમ પર અસર થશે, ગીરની અંદરના ઘણા રસ્તાઓ હતા જેને બંધ કરવામાં આવ્યા છે અને સમયના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા તેના કારણે સિંહોને તેનું પુનર્જિવન મળ્યું છે. કોઈપણ માનવ પ્રવૃત્તિ વન્યજીવની હિલચાલમાં ખલેલ અને અવરોધ પેદા કરી શકે છે. આ વિસ્તારમાંથી ભારે ટ્રાફિક વિક્ષેપ વન્યજીવની મુક્ત હિલચાલમાં અવરોધ અને કુદરતી ઈકો સિસ્ટમ- વન્યજીવના રહેઠાણના વિભાજનનું કારણ બને છે, જેના કારણે રસ્તાને પહોળો કરવાની મંજુરી આપવામાં આવશે નહી. આ અંગે બેઠકમાં ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન જયપાલસિંગે સૂચન કર્યું હતું કે, આ રસ્તા પરથી કોઈ વાણિજ્યક વાહનોને મંજુરી આપવામાં આવશે નહી, સમય મર્યાદા લગાડવામાં આવશે. નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ચર્ચાઓના અંતે રસ્તાને પહોળો કર્યા વિના મજબુતીકરણ માટેની દરખાસ્તની ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ૧૮ પ્રકારની શરતો રાખવામાં આવી છે.


