ભગવતીપરાનાં શખ્સે કુંવારો હોવાનું કહી આચરેલું કૃત્ય
આરોપીને તેની સંબંધી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાંગી પડેલી મહિલાએ ફરિયાદ નોંધાવી દીધી
ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ૨૦૨૨માં તે જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાં બાબાશાનો પિતા દાખલ થયો હતો. જેને કારણે તે બાબાશાનાં સંપર્કમાં આવતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને પછી પ્રેમ સંબંધ બંધાયો હતો.
તે વખતે બાવાશાએ તેને કહ્યું કે તે અપરિણીત છે અને તેની સાથે લગ્ન કરશે. ૨૦૨૨માં બાબાશા તેનાં રૂમ ઉપર આવ્યો હતો અને ત્યાં ઉપરાંત હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. તેનાં થોડા વખત બાદ તેને બાબાશા પરિણીત હોવાનું જાણવા મળતા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં બોલવાનું પણ બંધ કરી દીધું હતું.
તેનાં આઠેક માસ બાદ બાબાશા તેનાં રૂમ પર આવ્યો હતો અને કહ્યું કે તેને પત્ની સાથે હવે રહેવું નથી, તેની સાથે ચાર-પાંચ દિવસમાં લગ્ન કરી લેશે. ત્યાર પછી દસેક દિવસ તેની સાથે રહી સંબંધ બાંધ્યો હતો. આ પછી તે બીજે રહેવા જતાં ત્યાં પણ આવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.
આ સમય દરમિયાન તેની પાસેથી કટકે-કટકે રૂા. ૮.૫૬ લાખ હાથ ઉછીના લીધા હતા. તે રકમ પરત માંગતી ત્યારે પૈસા આવી જશે ત્યારે આપી દઇશ તેવા બહાના બનાવતો હતો. તેનો ૮ ગ્રામ સોનાનો ચેન પણ પહેરવા લઇ લીધો હતો. તે સોનાનો ચેન અને પૈસા માગંતા ટૂંક સમયમાં આપી દઇશ તેમ કહેતો હતો. તેને ફરીથી શરીર સંબંધ બાંધવાનું કહેતાં આ વખતે તેણે લગ્ન પછી જ એમ કહી દીધું હતું. આ વખતે તેને આપણે લગ્ન કરવાનાં જ છે તેમ કહી શરીર સંબંધ બાંધવાનું જારી રાખ્યું હતું.
ગત જૂન માસમાં તેને બાબાશાને તેનાં કુટુંબી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી. જેથી આ બાબતે બાબાશાને પુછતાં તેની સાથે ઝઘડો કરી ક્યાંક જતો રહ્યો હતો. મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો. આ સ્થિતિમાં તે તેનાં ભગવતીપરામાં આવેલા મકાને તપાસ કરવા ગઇ ત્યારે ત્યાંથી મકાન ખાલી કરી જતો રહ્યાનું જાણવા મળતાં આખરે તેનાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે બાબાશા હજુ પોલીસનાં હાથમાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે શહેરમાં લગ્નની લાલચ આપી આ રીતે મહિલાઓ અને યુવતીઓના શારીરિક શોષણની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે.


