લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
જીપીસીબીની ટીમે પાણીના નમુના લીધા
મોટી માત્રામાં એકાએક માછલીઓના મોત અંગે ઘુંટાતું રહસ્ય ઃ અસહ્ય દુર્ગંધથી ગ્રામજનો પરેશાન
સુરેન્દ્રનગર - લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. અને આ અંગે ગામના આગેવાનો સહિત અધિકારીઓને જાણ કરતા પ્રદુષણ નિયંત્રણની ટીમે સ્થળ પર પહોંચી માછલીઓના મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથધરી હતી.
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આવેલ મોતીહર તળાવમાં અચાનક એકસાથે મોટીસંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે. સવારે તળાવની પાળ પર ચાલવા તેમજ માછલીઓને ખોરાક નાંખવા આવતા લોકોને આ અંગે જાણ થઇ હતી. મોટી સંખ્યામાં માછલીઓના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળાં તળાવ પર ઉમટી પડયા હતા. બનાવ અંગે ગામના સરપંચ સહિત આગેવાનો અને અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી. તળાવના પાણીમાં ખોરાકી અસરથી માછલીઓના મોત નીપજ્યા છે કે પછી અન્ય કોઈ કારણોસર તેની તપાસ બાદ સાચું કારણ તપાસબાદ જ માલુમ પડશે. પરંતુ મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા ગ્રામજનો સહિત જીવ દયાપ્રેમીઓમાં રોષ જોવા મળી છે અને આ અંગે સાચું કારણ જાણી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જ્યારે આ અંગેની જાણ થતાં ગામના સરપંચ, તલાટી, મામલતદાર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તળાવના પાણીનો નમુનો લઈ તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.