Get The App

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત 1 - image

Jamnagar NSUI : જામનગર શહેરની એસવીએમ શાળાના સંચાલકો સામે વાલીઓમાં વધતા રોષને પગલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે. શાળા દ્વારા કરવામાં આવેલ ફી વધારો, અપારદર્શક વસૂલાત તથા અન્ય ગેરરીતિઓ મુદ્દે એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત અરજી પાઠવી છે.

એનએસયુઆઈના જણાવ્યા મુજબ, શાળા દ્વારા નર્સરીથી ધોરણ 10 સુધી સરેરાશ 35 થી 45 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જે વાલીઓ માટે ભારે આર્થિક બોજરૂપ બન્યો છે. આ વધારાના યોગ્ય કારણો તથા પારદર્શિતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ ઉપરાંત, શાળા દ્વારા ફી અલગ અલગ શીર્ષક હેઠળ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો છે, જેમાં કાયદેસર ફી સિવાય “દાન” તરીકે પણ રકમ લેવામાં આવતી હોવાની શંકા છે. આ મામલે નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.  કેમ્બ્રિજ પાઠ્યક્રમ અંગે પણ શાળા પર ભ્રામક માહિતી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળા સંપૂર્ણ કેમ્બ્રિજ પદ્ધતિનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં માત્ર એક જ પુસ્તક કેમ્બ્રિજનું છે, અને બાકીના પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના હોવાનું જણાવવામાં આવ્યું છે.

તે ઉપરાંત, શાળા દ્વારા દિવસીય શાળા પદ્ધતિ ફરજિયાત બનાવવામાં આવી હોવાના મુદ્દે પણ વાલીઓમાં અસંતોષ છે, કારણ કે આ નિર્ણય માટે તેમની સંમતિ લેવામાં આવી નથી. કેમ્બ્રિજ કેન્દ્ર માટે અનુભવી અને લાયકાત પ્રાપ્ત શિક્ષક સ્ટાફની અછત હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.

એનએસયુઆઈએ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક ડૉ.હેમાંગ પારેખ દ્વારા વાલીઓને છોડપત્ર (એલ.સી.) લઇ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે ગંભીર અને અન્યાયપૂર્ણ બાબત છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત અરજી પાઠવી યોગ્ય તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.