For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ યુનિવર્સિટીએ B.COM.ની 16 લાખ ફી વસૂલતાં NSUIનો હંગામો, રામધૂન બોલાવી વિરોધ કર્યો

એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી તરફ રેલી કાઢીને ખાનગીકરણ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

Updated: Jun 6th, 2023

Article Content Image

અમદાવાદઃ શહેરમાં ફી મામલે ફરીવાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી લેવામાં આવતી હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી એનએસયુઆઈના કાર્યકરો પહેલાં રેલી કાઢી હતી અને બાદમાં ગેટ કૂદીને અંદર પહોંચ્યા હતાં. ત્યાં રામધૂન બોલાવીને સુત્રોચ્ચાર કર્યા હતાં. 

ફી ઘટાડો કરવા આજે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા આજે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ જેવા સામાન્ય કોર્સ માટે 16 લાખ કરતાં વધુ ફી વસૂલવામાં આવી રહી છે. 

16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ
સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.ખાનગીકરણ વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી. અમદાવાદ યુનિવર્સિટીનો ગેટ બંધ અને બહાર પોલીસ હોવા છતાં NSUIના કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણ કરીને યુનિવર્સિટીનો ગેટ કૂદીને અંદર પહોંચી ગયા હતા.એક બાદ એક 50 કાર્યકરો ગેટ કૂદીને ગેટની અંદર બેસી ગયા હતા.ગેટની અંદર બેસીને કાર્યકરોએ ધૂન બોલાવી હતી તથા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.

Gujarat