MSUની સાયન્સ ફેકલ્ટીના ત્રણ શિક્ષકો દ્વારા અભદ્ર વ્યવહાર અંગે NSUI દ્વારા કાળી પટ્ટી બાંધી આવેદન અપાયું : સૂત્રોચાર
Vadodara NSUI Protest : એનએસયુઆઇના નેતાઓ સાથે અભદ્ર વ્યવહાર અને વાણી વિલાસ કરનારા પ્રોફેસરોના રાજીનામાંની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરીને નેતાઓ સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચાર કરીને વીસી ઓફિસમાં આવેદનપત્ર સુપ્રત કરી ત્રણેય શિક્ષકો સામે પગલાં ભરવા માંગ કરી હતી.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે નવા વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે મદદરૂપ થવા એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ ઉભા હતા. પરંતુ સાયન્સ ફેકલ્ટીના કેટલાક પ્રોફેસર દ્વારા ખોટી રીતે વાણી વિલાસ કરી તેમજ વિદ્યાર્થી નેતાઓ પર અપશબ્દો બોલી એનએસયુઆઇના વાસુ પટેલ તેમજ હિત પ્રજાપતિ સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. જેમાં કેટલાક પ્રોફેસરો દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે વિદ્યાર્થી નેતાઓની દુકાનો ખુલી ગઈ છે તેમજ એનએસયુઆઇના વિદ્યાર્થીઓને નેતાગીરી બંધ કરી દેવાની સૂચના આપી હતી. તેમજ અપશબ્દો પણ ઉપપ્રમુખ સામે કહેવામાં આવ્યા હતા. જો આ પ્રોફેસરો પર યોગ્ય પગલાં યુનિવર્સિટી દ્વારા લેવામાં નહીં આવે તો આ પ્રોફેસરો સામે NSUI દ્વારા માનહાનીની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું.