એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એન.આર.આઇ. પતિ તથા તેના માતા,પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ વિદેશમાં અન્ય મહિલા સાથે લગ્ન કરવાના હોવાની શંકા પણ પરિણીતાએ વ્યક્ત કરી છે.
વાઘોડિયા રોડ પર રહેતી સોનાલીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા મારો સંપર્ક ભાવિન પંચાલ (હાલ રહે.પોલેન્ડ) સાથે ફેસબૂક પર થયો હતો. અમારા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અમે એક જ સમાજના હોઇ મેં ભાવિનને લગ્નની વાત કરતા તેણે જણાવ્યું હતું કે, અહીંયા અન્ય યુવતી સાથે વાતચીત કરું છું અને આશરે દોઢ વર્ષથી અમે લિવ ઇન રિલેશનશિપમાં છે. હું તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. તેઓ વચ્ચે મનમેળ નહીં થતા છૂટાછેડા થઇ ગયા હતા.
ત્યારબાદ જાન્યુઆરી -2023માં ભાવિને મારી સાથે ઇન્સ્ટાગ્રામ પર ફરીથી સંપર્ક કરી મને કહ્યું કે, મારી ભૂલ થઇ ગઇ હતી. હવે હું તારી સાથે લગ્ન કરવા માગુ છું. પરિવારજનોની સંમતિથી ફેબુ્આરી-2024માં લગ્ન કર્યા હતા. એક મહિના પછી ભાવિન પોલેન્ડ જતો રહ્યો હતો. થોડા દિવસો પછી તેઓનો સ્વભાવ આખો બદલાઇ ગયો હતો. ઘરની બહાર આવવા જવા પર રોકટોક કરતા હતા. મારા ચારિત્ર્ય અંગે આક્ષેપ કરતા હતા. તેઓ છૂટાછેડા માટે ધમકી આપતા હતા. હું ડિપ્રેશનમાં આવીને પિયર જતી રહી હતી. અમારા વચ્ચે સમાધાનના પ્રયાસો પણ થયા હતા. મારા પતિ પોલેન્ડમાં અન્ય મહિલા સાથે રહે છે અને તેની સાથે લગ્ન કરવાના છે. પોલીસે ભાવિન, તેના માતા, પિતા ( રહે. આત્મીય સંસ્કાર રેસિડેન્સી, માણેજા) સામે ગુનો દાખલ કર્યો છે.









