(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, બુધવાર
નેશનલ ફાર્માસ્યૂટકલ પ્રાઈસિંગ ઓથોરિટી નવી આવશ્યક દવાઓના ભાવ નક્કી કરી આપતી હોવા છતાંય કંપનીઓ તેનાથી વધુ ભાવ વસૂલીને બાપડા બિચારા દરદીઓને લૂંટી રહી છે. દવા બનાવવા માટેના સંશોધન સહિતના ખર્ચની વિગતો માગીને એનપીપીએ તેના પર ૧૦૦ ટકા વધુ રકમ ચઢાવી આપીને ભાવ નક્કી કરી આપે છે. તેમ છતાંય ફાર્મા કંપનીઓ લોકોને ખંખેરી લેવાની કોઈપણ તક જતી કરતી નથી.
પરિણામે ભારતમાં દવાઓની કિંમતોની દેખરેખ અને અમલવારી કરાવનાર સત્તા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા દવાઓની કિંમતોમાં વધારાનો આક્ષેપ કરી ફાર્મા ઉદ્યોગની નાની મોટી કંપનીઓ પાસેથી રિકવરી કાઢી છે. ગુજરાત અને ભારતની આ કંપનીઓ પાસે મળીને એનપીપીએએ સપ્ટેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં રૃ. ૮૫૦૦ કરોડથી વધુ વસૂલવાના બાકી છે.
કેટલીક કંપનીઓએ એનપીપીએ નક્કી કરી આપેલા ભાવ ઉપરાંતના ભાવ દવામાં વસૂલનાર કંપનીઓ પાસેથી એનપીપીએએ કાઢેલા લેણાની રકમને કંપનીઓએ કોર્ટમાં પડકારીને વસૂલી પર બ્રેક લગાવી છે.
ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) ૧૯૭૯, ૧૯૮૭, ૧૯૯૫ અને ૨૦૧૩ હેઠળ વ્યાજ સહિતના લેણાની રકમ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં એનપીપીએએ તેમની પાસેથી કુલ રૃ. ૧૦,૦૧૩.૩ કરોડના લેણા કાઢવામાં આવ્યા છે. આ લેણાની રકમમાંથી રૃ. ૮,૫૨૬.૧ કરોડની વસૂલાત હજી બાકી છે. તેમાંથી કોર્ટમાં ચાલી રહેલા કેસો, કલેક્ટર પાસે રિફર કરાયેલા કેસો સહિત વિવાદમાં સંકળાયેલી રકમ આશરે રૃ. ૫,૯૩૮.૭ કરોડ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં કુલ લેણામાંથી માત્ર રૃ. ૧,૪૮૭.૧ કરોડની વસૂલાત થઈ છે.
રસપ્રદ બાબત તો એ છે કે સપ્ટેમ્બર ૨૦૨૪માં દર્શાવેલ બાકી લેણા રૃ. ૮,૫૭૯.૧ કરોડ હતા. તે સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે રૃ. ઘટીને ૮,૫૨૬.૧ કરોડ થઈ છે. એક વર્ષમાં માત્ર રૃ. ૫૩ કરોડની આસપાસની જ વસૂલી આવી છે. હજીય વિવાદ હેઠળની રકમ પણ સપ્ટેમ્બર ૨૦૨૪ના રૃ. ૬,૦૭૬.૪ કરોડથી ઘટીને રૃ. ૫,૯૩૮.૭ કરોડની છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે બાકી રહેલી કુલ રકમમાંથી આશરે રૃ. ૨૨૩.૮ કરોડ કલેક્ટર પાસે રિફર કરાયેલા અને હજી વસૂલાત માટે બાકી કેસોની છે. ઉપરાંત રૃ. ૫.૫ કરોડની માંગ BIFR અથવા અધિકૃત લિક્વિડેટર પાસે પેન્ડિંગ છે. વિવાદ હેઠળના કેસોમાં કલેક્ટર પાસે રિફર કરાયેલા કેસો અને અધિકૃત લિક્વિડેટર પાસે પેન્ડિંગ રકમને બાદ કરતાં, પ્રક્રિયા હેઠળના વધારાની વસૂલાત સંબંધિત બાકી રકમ આશરે રૃ. ૨,૩૫૮.૨ કરોડ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પૂરા થયેલા છ મહિનામાં એનપીપીએ દ્વારા ઊભા કરવામાં આવેલા લેણાની વાત કરીએ તો ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એનપિપીએ ૮૫ કેસોમાં રૃ. ૬૧.૫૧ કરોડના નવા લેણા ઊભા કર્યા છે. તેમાંથી આશરે રૃ. ૧૨.૦૮ કરોડની વસૂલાત થઈ છે. તેની સરખામણીમાં, ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં ૪૭ કેસોમાં રૃ. ૨.૭૭ કરોડની ડિમાન્ડ ઊભી થઈ હતી અને તેમાંથી રૃ. ૩.૩૧ કરોડની વસૂલાત થઈ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વ્યાજ સહિત ઊભી કરવામાં આવેલી રિકવરી
Swiss Garnier Genexiaa
Sciences Pvt Ltd Nifutin 100 mg ટેબ્લેટ્સ રૃ. ૧૨.૮૧ કરોડ
Torrent Pharmaceuticals Regestrone CR ૧૦ ટેબ્લેટ રૃ. ૬.૫૮ કરોડ
USV Ltd Clopidogrel 75 mg ટેબ્લેટ રૃ. ૪.૫૪ કરોડ
Unichem Laboratories Ltd Trilostar ૬.૨૫ ટેબ્લેટ રૃ. ૩.૩૨ કરોડ
Lupin Ltd Telista ૨૦ ટેબ્લેટ્સ રૃ. ૨.૩૭ કરોડ
નોંધઃ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં Torrent Pharma પાસેથી રૃ. ૩.૦૩ કરોડ, USV Ltd પાસેથી રૃ. ૧.૮૬ કરોડ, Unichem Ltd પાસેથી રૃ. ૧.૩૫ કરોડ, અને Lupin નગ પાસેથી રૃ. ૮૭.૮૬ લાખની વસૂલાત થઈ છે.


