Get The App

હવે પ્રકાશનું પ્રદુષણઃ વાહનોમાં અનધિકૃત LED લાઈટનો ત્રાસ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
હવે પ્રકાશનું પ્રદુષણઃ વાહનોમાં અનધિકૃત LED લાઈટનો ત્રાસ 1 - image


તીવ્ર LED લાઈટ વન્યપ્રાણી-પંખીઓ માટે પણ નુકશાનકર્તા  : RTOઓ.દ્વારા ગત મહિને 199 વાહનોને રૂ।. 1000- 1000 દંડ કર્યો પણ લાઈટ અને પ્રશ્ન એમને એમ રહેવા દીધા

રાજકોટ, : રાજકોટ સહિત અનેક શહેરોમાં વાયુ પ્રદુષણ,ધ્વનિ પ્રદુષણ, જળપ્રદુષણ પછી હવે પ્રકાશનું પ્રદુષણ ખાસ કરીને વાહનોમાં વપરાતી અનધિકૃત અને મંજુરી વગરની સફેદ-બ્લ્યુ રંગનો તીવ્ર પ્રકાશ છોડતી એલ.ઈ.ડી.લાઈટથી વધ્યું છે. આ માટે પોલીસ-આર.ટી.ઓ.દ્વારા બૂલેટના સાયલન્સરના ઘોંઘાટ (ધ્વનિ પ્રદુષણ) મુદ્દે જે પગલા લીધા તેવા પગલા નહીં લેવાતા આ સમસ્યામાં કોઈ સુધારો થયો નથી. 

રાજકોટ આર.ટી.ઓ.અધિકારી કેતન ખપેડે જણાવ્યું કે વાહનો પર કંપની ફીટીંગ ન હોય તેવી એલ.ઈ.ડી.લાઈટ ગેરકાયદેસર છે અને તે સામે ગત મહિનામાં વાહનોનું રાત્રિના ચેકીંગ કરીને 199  વાહનો પાસેથી રૂ।.એક-એક હજાર લેખે દંડ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓવરલોડ, ઓવરડાયમેન્શન, ટેક્ષ વગર ચાલતા વાહનો, રેડિયમ રીફ્લેક્ટર, ફીટનેસ વગર, સીટબેલ્ટ, પીયુસી, ભય જનક વાહન ચલાવવું, ડ્રાઈવીંગ લાયસન્સ ન હોવું સહિત કૂલ 1056 વાહનચાલકોને રૂ। 46.77 લાખનો દંડ કરાયો હતો. 

આ કામગીરી આર.ટી.ઓ.દ્વારા વારંવાર કરાતી હોય છે પરંતુ, તેમાં મોટી ખામી એ છે કે એલ.ઈ.ડી.લાઈટ રાખવા બદલ રૂ।.૧૦૦૦નો દંડ કર્યા બાદ એ વાહન અને એ જ લાઈટ ચાલુ રાખીને જવા દેવાય છે. બૂલેટ મોટરસાયકલોના બહારથી ફીટ કરાવાયેલા સાયલન્સરથી અતિ ઘોંઘાટ થતો હોય પોલીસે આવા સેંકડો સાયલન્સર કબજે કરીને તેનો નાશ કર્યો હતો. આવી કામગીરી એલ.ઈ.ડી.લાઈટમાં થતી નથી.

ઉલ્લેખનીય છે કે તીવ્ર માત્રાની એલ.ઈ.ડી.લાઈટ અંધકારમાં જે પ્રકાશ ફેંકે છે તેનાથી એક તો સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાય છે અને અકસ્માતનું જોખમ સર્જાય છે અને તે ઉપરાંત વન્ય પ્રાણી,પંખીઓ માટે પણ આ પ્રકાશ જોખમી હોય છે. એક સમયે ટ્રેડીશનલ અને માન્ય પીળી લાઈટમાં પણ વચ્ચે કાળા ટપકાં કરવાનો નિયમ હતો અને હવે આ નિયમ તો દૂર રહ્યો, એલ.ઈ.ડી.લાઈટ પ્રતિબંધિત છતાં તેનો છૂટથી ઉપયોગ થાય છે.

Tags :