Get The App

દ્વારકા જિલ્લામાં હવે કેફી સીરપની જેમ નશાકારક 'હેન્ડ સેનિટાઈઝર'નું ષડયંત્ર

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
દ્વારકા જિલ્લામાં હવે કેફી સીરપની જેમ નશાકારક 'હેન્ડ સેનિટાઈઝર'નું ષડયંત્ર 1 - image


બે મહિનાથી ચાલતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અગાઉ સીરપનો ગોરખધંધો ખુલ્લો પડતાં નવો કીમિયો શોધનાર મુંબઈ, કચ્છ, પોરબંદર, ભાવનગરના ૭ શખ્સનાં નામ ખુલ્યાં, ત્રણની ધરપકડ

જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં વેચાતી હેન્ડ સેનીટાઈઝરની શંકાસ્પદ બોટલોને કબજે લઈ વેપારીઓ, સપ્લાયકર્તા ઉપરાંત ઉત્પાદકનું પગેરૂં શોધતા બે મહિનાનાં અંતે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં અગાઉ કેફી સીરપનો ગોરખધંધો ખુલ્લો પડતા હવે નવો કીમિયો શોધીને હેન્ડ સેનિયાઈઝરના નામે નશાકારક પીણું વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. હાલ મુંબઈ, પોરબંદર, ભાવનગરના સાત શખ્સોના નામ ખુલ્યા છે, જેમાંથી ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

વિગત મુજબ દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા સવદાસ કરસન પોપાણીયા નામના ૩૭ વર્ષના વેપારી યુવાન દ્વારા તેની ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાખવામાં આવેલી ચોક્કસ કંપનીની શંકાસ્પદ ગ્રીન એપલ હેન્ડ રબ અને ઓરેન્જ હેન્ડ રબ નામની સેનીટાઇઝરની જુદી-જુદી ૭૪ બોટલ કબજે કરી હતી. આ સંદર્ભે ગત તા. ૨૯ માર્ચના રોજ સ્થાનિક પોલીસ મથકમાં જરૂરી નોંધ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી દ્વારકાના પી.આઈ. દિપક ભટ્ટ તેમજ એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ બી. એમ. દેવમુરારીએ અલગ-અલગ ટીમો બનાવીને ખાનગી રાહે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.  જેમાં સાત શખ્સોના નામ ખુલ્યા હતા, જેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરીને પુછતાછ કરતા આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરની આ બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ટુપણી ગામના વેપારી સવદાસ કરસન પોપણીયા, ખંભાળિયામાં ગુંદી ચોક વિસ્તારમાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી (ઉ.વ. ૩૪), ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા અક્રમ નઝીર બાનવા (ઉ.વ. ૩૭) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જેમાં ચિરાગ થોપાણી અને અક્રમ નઝીર બાનવા સામે અગાઉ ખંભાળિયામાં આયુર્વેદિક સીરપ પ્રકરણ સંદર્ભે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અન્ય સાગરીતોમાં કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના મૂળ વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા, કલ્યાણપુર તાલુકાના રહીશ ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મારાજ પરસોતમભાઈ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી તેમજ પોરબંદર તાલુકાના મિયાણી ગામના રહીશ અને સંગીતા આયુર્વેદિક કેર નામની પેઢીના પ્રોપરાઇટર બ્રિજેશ ભાવેશભાઈ જાદવ નામના ચાર શખ્સોની પણ સંડોવણી ખુલવા પામી છે. જેમાં લગધીરસિંહ જાડેજા સામે પણ અગાઉ નશાકારક આયુર્વેદિક શીરપ સંદર્ભે ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે માંડવીના હિમાંશુ ગોસ્વામી સામે પણ પ્રોહિબીશન સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે તપાસનીસ પોલીસ સ્ટાફ દ્વારા આરોપી સવદાસ કરસન, ચિરાગ લીલાધર અને અક્રમ નજીરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ નાસી છૂટવામાં સફળ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઈના વસઈ ખાતે મિનિ ફેક્ટરીમાં લાયસન્સ વગર 'હેન્ડ રબ' બનાવતા

ઈથાઇલ આલ્કોહોલ, આઈસોપ્રોપાઈલ જેવા તત્ત્વોનું મિશ્રણ કરતા !

દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પાનના ગલ્લે અને અન્ય દુકાનોમાં સપ્લાય કરીને નશાનો કારોબાર ચલાવતા'તા

ખંભાળિયા: મૂળ કલ્યાણપુરના વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ જાડેજાએ કેફી શીરપકાંડ ખુલ્લું પડયા બાદ નવો કિમિયો શોધીને મુંબઈના વસઈ ખાતે મિનિ ફેક્ટરી ચાલુ કરી લાયસન્સ વગર 'હેન્ડ રબ'ના નામે નશાયુક્ત પીણું બનાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં સપ્લાયર અને વેપારીઓની મદદથી દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પાનના ગલ્લે અને અન્ય દુકાનોમાં સપ્લાય કરીને નશાનો કારોબાર ચલાવતા હતા.

હાલ ફરાર એવા આરોપી લગધીરસિંહ કાળુભા જાડેજા કે જે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાઈ ગયેલો હોય અને પુનઃ નશાનો કારોબાર ચાલુ રહે તે માટે મુંબઈના વસઈ ખાતે રહીને નિયમ મુજબના લાયસન્સ વગર હેન્ડ રબ (સેનીટાઇઝર)ના નામે નશાયુક્ત પીણાંનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં શરીરને ખૂબ જ નુકસાન થાય તેટલી માત્રામાં ઈથાઇલ આલ્કોહોલ, આઈસોપ્રોપાઈલ જેવા તત્વોનું મિશ્રણ કરવામાં આવતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આયુર્વેદિક બિયર બાદ થોડા સમય પૂર્વે આરોગ્યવર્ધક આયુર્વેદિક સીરપની આડમાં બુટલેગરો દ્વારા વધુ આલ્કોહોલ ભેળવીને નુકસાનકર્તા પીણા બનાવીને વેચવામાં આવતા હતા. જે સામે પોલીસ સકંજો વધુ મજબૂત બનતા આરોપીઓએ હવે હેન્ડ રબ (સેનિટાઈઝર)ના સ્વરૂપે અન્ય રાજ્યમાં પ્રોડક્શન કરીને આવી બોટલોનું અહીં પાનના ગલ્લામાં તેમજ અન્ય દુકાનોમાં જાહેરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખુલવા પામ્યું છે.  

Tags :