Gujarat

હવે જાન્યુઆરીથી કોર્પોરેશન ગાંધીનગરમાં ગટર લાઈનની તમામ જવાબદારી સંભાળશે

By GS TEAM
29 Oct 20252 mins read
હવે જાન્યુઆરીથી કોર્પોરેશન ગાંધીનગરમાં ગટર લાઈનની તમામ જવાબદારી સંભાળશે

31 ઓક્ટોબર સુધીમાં ગટર લાઈનનું કામ પૂર્ણ નહીં થાય

એજન્સીને 31 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી પરંતુ ન થતાં 31 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી : ખ-૨થી ગ-૧ સુધીનું બે કિલોમીટરનું કામ બાકી

ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નવી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને તેની ૩૧ ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ હજુ બે કિલોમીટર જેટલું કામ બાકી હોવાથી એજન્સીની મુદત વધારી આપવામાં આવી છે. જેથી કોર્પોરેશન જાન્યુઆરી મહિનાથી ગટરની સંપૂર્ણ જવાબદારી સંભાળશે તેમ જાણવા મળી રહ્યું છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ૨૪ કલાક પાણીની યોજના અને નવી ડ્રેનેજ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ચાર વર્ષ જેટલો સમય પૂર્ણ થવા છતાં હજી સંપૂર્ણ કામ પૂરું થઈ શકતું નથી. આ સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનનું કામ મંદગતિએ ચાલતું હોવાથી મામલો ગાંધીનગરના સાંસદ સુધી પહોંચ્યો હતો અને તેમણે તમામ વિભાગો સાથે બેઠક કરાવીને ૩૧ ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી હતી પરંતુ હવે બે દિવસ બાકી છે તેમ છતાં ગટર લાઈનનું કામ પૂર્ણ થઈ શક્યું નથી. હજુ ખ- રોડ પર ખ-૨થી ખ-૧ અને ખ-૧થી ગ-૧ સુધીનું બે કિલોમીટરનું કામ બાકી છે. આ ઉપરાંત છ- રોડ પર પણ કામ બાકી છે. જ્યારે બેથી ત્રણ સેક્ટરોમાં પણ આંશિક કામ બાકી રહ્યું છે. પાણી અને ડ્રેનેજની જવાબદારી કોર્પોરેશનને સોંપવાની લાંબા સમયથી હીલચાલ ચાલે છે પરંતુ આ બંને પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા જવાબદારી સંભાળશે તેવું નક્કી થયું હતું. ૩૧ ઓક્ટોબર પછી મહાનગરપાલિકાએ આ બંને જવાબદારી સ્વીકારવાની તૈયારી કરી હતી પરંતુ ડ્રેનેજલાઇનનું કામ બાકી હોવાથી તે શક્ય બની શકે તેમ નથી. જેથી ગટરનું કામ કરતી એજન્સીને ૩૧ ડિસેમ્બર સુધીની મુદત વધારી આપવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી મહિનામાં ગટર લાઈનની સંપૂર્ણ જવાબદારી સંભાળવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે. 

- નવેમ્બરમાં કોર્પોરેશન પાણી વિતરણની જવાબદારી સંભાળશે

ગાંધીનગરમાં હાલ ૨૪ કલાક પાણીની યોજના અંતર્ગત કામ પૂર્ણ થઇ ગયું છે અને ટ્રાયલ રન ચાલે છે પરંતુ હાલ પાટનગર યોજના વિભાગ દ્વારા રૂટીન ૨ કલાક પાણી આપે છે તે પછી ૨૪ કલાક યોજનાનું પાણી છોડાય છે. તબક્કાવાર પાટનગર યોજના દ્વારા અપાતું પાણી બંધ કરી ૨૪ કલાક પાણી આપવાનું શરૂ કરાશે. તે પછી નવેમ્બરમાં મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણની જવાબદારી સ્વીકારવામાં આવશે. જોકે જાસપુર ખાતેનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થોડાક જ દિવસમાં કોર્પોરેશનને હેન્ડ ઓવર કરી દેવામાં આવશે.