હવે ટોલ ફ્રી નંબર 104 ડાયલ કરીને ઘરે બેઠા આરોગ્યલક્ષી માર્ગદર્શન વિનામૂલ્યે મળશે
- વિશ્વ વિજેતા બેડમિન્ટન ચેમ્પિયન પી.વી.સિંધુ Suicide Prevention હેલ્પલાઇનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
ગાંધીનગર, તા. 23 સપ્ટેમ્બર 2019, સોમવાર
રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાસભર આરોગ્યને લગતી સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને પરામર્શ સેવાઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ અને પોતાને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન લોન્ચ આવી હતી.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત રીતે ત્વરિત પહોંચાડવા માટે અનેક નવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. 108 ઇમરજન્સી સેવાના અધ્યતન ટેક્નોલૉજી તેમજ વ્યવસ્થાનો ઉપયોગ કરી રાજ્ય વ્યાપી 104 હેલ્થ હેલ્પલાઇન કાર્યરત કરાઇ છે.
104 હેલ્થ હેલ્પલાઇનના ટેક્નોલોજીકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને ટેલિ-કાઉન્સેલિંગ, ટેલિ-હેલ્થ સલાહ, આરોગ્ય શિક્ષણ, આરોગ્ય કાર્યક્રમો/સેવાઓ, હોસ્પિટલ/આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વાસ્થ્ય સંભાળની સગવડ સંબંધિત ફરિયાદ નોંધણી અને નિવારણ, આરોગ્ય કર્મચારીને માતા અને બાળ સંભાળના જટિલ કેસમાં વિષય નિષ્ણાત દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવાની આગવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રસૂતા માતા અને બાળઆરોગ્યની કામગીરીનું અસરકારક અમલીકરણ અને તેનુ મૂલ્યાંકન માટે TeCHO+ એપ્લીકેશનનું 104 હેલ્થ હેલ્પલાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું છે.
104 હેલ્થ હેલ્પલાઇન હેઠળની મુખ્ય પ્રવૃત્તિઓ માં 104વર હેલ્પલાઇનથી 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટે નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા ફોન ઉપર પરામર્શ તેમજ બાહ્ય અને આંતરિક ફરિયાદો નિરાકરણ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન, સલાહ અને સૂચન 104 હેલ્થ હેલ્પલાઇન સાથે TeCHO+નું ઇન્ટીગ્રેશન ઓન-કોલ સહાયતા-ઈ-આશા TeCHO+ ફિલ્ડ પ્રવૃત્તિઓનું રીઅલ ટાઇમ ટ્રેકિંગ, મોનિટરિંગ ફિલ્ડ સ્ટાફ કોઓર્ડિનેશન અને મોબાઈલ હેન્ડસેટ મેનેજમેન્ટ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આગવી પહેલ 104 હેલ્થ હેલ્પલાઇન તથા સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇનના પ્રચાર-પ્રસાર તેમજ આ સેવા લોક ભોગ્ય બને તેવા ઉમદા ઉદેશ્યથી ભારતની પ્રથમ વિશ્વ વિજેતા બેડમિન્ટન ચેમ્પિયન કુમારી પી.વી. સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.