લુખ્ખાઓએ બલોલનગર બ્રીજ પર મારમારી કરી વાહનોની લૂંટ કરી
સાબરમતી પોલીસની હદ આવેલા બલોલનગર બ્રીજમાં વસ્ત્રાલ વાળી થઇ
બ્રીજના વચ્ચે કાર ઉભી રાખીને વાહનચાલકો પર હુમલા કરીને બાઇક-સ્કૂટર સાથે રોકડની લૂંટ કરીઃ સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ
અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજીક તત્વોના આતંકની ઘટના બાદ પોલીસે દાવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરથી ન કથળે તેની ખાતરી આપી હતી. પરંતુ, લુખ્ખાઓને પોલીસનો ડર નથી રહ્યો તે નરવી વાસ્તવિકતા છે. શહેરના ન્યુ રાણીપ બલોલનગર બ્રીજ પર રાતના સમયે સ્થાનિક લુખ્ખાઓએ રસ્તા વચ્ચે કાર પાર્ક કરીને રોડ બ્લોક કરીને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને રોકીને ઘાતક હથિયારથી માર મારીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ નહી બાઇક અને સ્કૂટર સાથે ૪૯ હજારની રોકડની લૂંટ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે પોલીસ આ મામલે માથાભારે તત્વો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરે છે? તે જોવુ રહ્યું.
શહેેરના નવા વાડજ અખબારનગર સર્કલ પાસે આવેલી બલોલનગર સોસાયટી નજીક રહેતા મુકેશભાઇ ભરવાડ એક કન્ટ્ર્ક્શન કંપનીમાં નોકરી કરે છે. સોમવારે રાતના બાર વાગે તે તેમનું સ્કૂટર લઇને બલોલનગર બ્રીજથી તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સાત જેટલા યુવકો એક સ્વીફ્ટ કારને બ્રીજના રસ્તા વચ્ચે રાખીને ઉભા હતા. જેમાં ચાર યુવકો પાસે છરા, પાઇપ અને લાકડી હતી. તેમણે મુકેશભાઇને ઉભા રાખ્યા હતા અને તે પૈકી બે યુવકોએ આવીને તેમને માર માર્યો હતો અને અન્ય લોકોએ આવીને માર માર્યો હતો. જેથી મુકેશભાઇ તેમનું સ્કૂટર ત્યાંથી મુકીને બચવા માટે નાસી ગયા હતા.
આ સમયે અન્ય એક વ્યક્તિની કારને રોકીને બોનેટ પર પાઇપ પછાડીને કાચ તોડવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે કારચાલક ત્યાંથી બચીને નાસી ગયો હતો. પરંતુ. બાઇક પર આવી રહેલા અન્ય બે યુવકોને માથાભારે લોકોએ રોકીને માર મારતા તે બંને યુવકો બાઇક મુકીને માંડ માંડ બચીને ભાગ્યા હતા.
આ સમયે પાંચ યુવકો કારમાં અને અન્ય બે વ્યક્તિ મુકેશભાઇનું સ્કૂટર અને બાઇક લઇને નાસી ગયા હતા. મુકેશભાઇની સ્કૂટરની ડેકીમાં ૪૯ હજારની રોકડ પણ હતી. બલોલનગર બ્રીજ પર આતંક મચાવનાર એક વ્યક્તિનું નામ રવિ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બલોલનગર બ્રીજ માથાભારે લોકો અવારનવાર વાહનચાલકોેને પરેશાન કરે છે અને ભયનો માહોલ ફેલાવે છે. આ અંગે હાલ સાબરમતી પોલીસે રાબેતા મુજબ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ આ બનાવ બાદ પોલીસની કામગીરીને લઇને અનેક સવાલ ઉભા થયા છે.