ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ
અગાઉ પણ અનેકવાર ધમકી અપાઇ હતી
ચાંગોદર પોલીસે વાસણા ચાચરવાડીમાં રહેતા પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી
અમદાવાદ,શનિવાર
ચાંગોદરમાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાઉન્ડ્રી વોલને કેટલાંક માથાભારે તત્વો દ્વારા તોડીને બાર લાખ રૂપિયાનું નુકશાન કરવાની સાથે પાર્કમાં આવેલા વિવિધ એકમોની સુરક્ષાને પણ જોખમમાં મુકી હતી. આ અંગે ચાંગોદર પોલીસે વાસણા ચાચરવલાડીમાં રહેતા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
શહેરના ઘાટલોડિયા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જયેશભાઇ જાની ચાંગોદરમા ં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એન જી રીયાલીટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૯મી જુલાઇના રોજ કેટલાંક લોકોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની આશરે ત્રીસ ફુટ જેટલી દિવાલને જેસીબીથી તોડીને આશરે ૧૨ લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડયુ હતું. જેના કારણે પાર્કની સુરક્ષા સાથે પણ ચેડા થયા હતા.આ અંગે ચાંગોદર પોલીસ મથકે વાસણા ચાચરવાડી ગામમાં રહેતા મનસુખ પ્રજાપતિ, ગૌતમ મકવાણા, અમૃત ભરવાડ, જગો ભરવાડ અને જગદીશ પટેલ નામના આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માથાભારે સ્થાનિક લોકોએ અગાઉ પણ અનેકવાર ધમકી આપી હતી અને આસપાસના વિસ્તારમાં પણ તેમનો અતિશય ત્રાસ હોવાનુ જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.