Gujarat
કોટેશ્વર- વડસરને જોડતા રસ્તાની કામગીરીમાં નિષ્કાળજી મામલે બે ઈજનેરને નોટીસ
By GS TEAM
6 Jul 20251 min read

શનિવારે વોર્ડ નં.18 ભાજપ કાઉન્સિલર કલ્પેશ પટેલ અને સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર વચ્ચે વિસ્તારના કામોને લઈ ભારે તકરાર થઈ હતી. ત્યારે હવે આ મામલે કામગીરીમાં નિષ્કાળજી દાખવનાર વોર્ડ નં. 18ના હં.ના.કાર્યપાલક ઈજનેર વિશાલ ઠાકુર અને એડિ. આસિ. ઇજનેર પાર્થરાજ દવેને દક્ષિણ ઝોન ડે. મ્યુ. કમિશનરે નોટિસ પાઠવી ૭ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે.
નોટિસમાં જણાવ્યું મુજબ, વોર્ડ .18માં કોટેશ્વર નાળું આવેલ છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ નાળાની વરસાદી પાણીના વહેણની ક્ષમતા વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવી જરૂરી હોવા છતાં આજ દિન સુધી કામગીરી પૂર્ણ કરી નથી. કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને નાળાનો રસ્તાની રાહદારીઓની અવર જવર માટે યોગ્ય નિભાવણી કરવા સૂચના આપવા છતાં પાલન કર્યું નથી. જેના કારણે રસ્તા પર અકસ્માતની ઘટના અને રાહદારીઓને પડતી મુશ્કેલીની ફરિયાદો ધ્યાને આવી છે. આવી કામગીરીથી વડોદરા કોર્પોરેશનની છબી ખરડાય છે. આમ, કોટેશ્વરથી વડસર ગામને જોડતા રસ્તાની કામગીરીમાં નિષ્કાળજી દાખવવા બદલ જીપીએમસી એક્ટની કલમ 56 (2 )મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી અંગે સ્પષ્ટતા હેતુ કારણદર્શક નોટિસ ફટકારી છે. જો, સમય મર્યાદામાં સ્પષ્ટતા ન થાય તો નિયમ અનુસાર કાર્યવાહી કરાશે.








