Get The App

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ 1 - image

- અગાઉ 19 જર્જરિત ઇમારત ધારકોને નોટિસ પાઠવી હતી

- શહેરમાં ભયજનક બની ચુકેલા સરકારી મિલકતોના વિભાગના અધિકારીઓને પણ નોટિસ દ્વારા જાણ કરવામાં આવી

ધોળકા : ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં જુની જર્જરિત ભયજનક મકાનોનો સર્વે હાથ ધરી ૧૯ જટેલા મકાન અને દુકાનદારોને નોટિસ ફટકારી હતી ત્યારે હવે બીજા ૨૦ જેટલા જર્જરિત ભયજનક મકાનધારકોને નોટિસો ફટકારી છે. આ સાથે જર્જરિત અને જોખમી બની ચુકેલી સરકરી મિલકો બાબતે પણ લાગતા વળગતા તંત્રના અધિકારીઓને પણ ઉપરોક્ત નોટિસ અંતર્ગત લેખિતમાં જાણ કરી સત્વરે ઘટતી કાર્યવાહી કરી ઇમારતને જોખમ રહિત કામગીરી કરવા જાણ કરી છે.

ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી તેમજ સરકારી જર્જરિત જોખમી અને ભયજનક બની ચુકેલી મિલકતો બાબતે પાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થના રાઠોડે પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓની ટીમ બનાવી સર્વે હાથ ધર્યો હતો. જેમાં અગાઉ ૧૯ જેટલા જર્જરિત જોખમી મિલકત ધારકોને નગરપાલિકા અધિનીયમ ૧૯૬૩ની કલમ ૧૮૨ની જોગવાઇ મુજબ નોટિસો ફટકારી સુચનાઓ આપવામાં આવી હતી. 

દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જુની અને જર્જરિત ભયજનક બની ચુકેલી મિલકતો અંગ સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં પાલિકા તંત્રએ જબરદસ્ત આંચકો અનુભવ્યો હતો. એક તરફ પાલિકાની જુની નગરપાલિકાની ઇમારત જર્જરિત અને જોખમી છે ત્યારે બીજી બાજુ અન્ય સરકારી મિલકતોની પણ જર્જરિત હાલતમાં હોય પાલિકા તંત્ર મુંઝવણ અનુભવ કરી રહ્યું હતું. 

આખરે સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને અનુસરીને સર્વે કરાયેલા શહેરના અન્ય ૨૦ જર્જરિત ઇમારત ધારકોને મિલકત સુરક્ષિત કરવા જાહેર હિત માટે તાત્કાલિક ઉતારી લેવા નોટિસ પાઠળી છે. આ ઉપરાંત જર્જરિત બની ચુકેલી સરકારી ઇમારતો જેમાં મેના બેન ટાવર સામે સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં આવેલું ધોળકા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ અને ક્વાર્ટ્સ તથા કેનાલ ઓફિસનું ક્વાર્ટ્સ, બડીબુ પોલીસ લાઇનના ક્વાર્ટર્સ, ધોળકા પશુ દવાખાનાના ક્વાર્ટ્સની અધોગતિ સંદર્ભે પાલિકા તંત્રએ જેતે સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ કરી સત્વરે ઘટતી કાર્યવાહી કરવા અંગેની જાણ કરવાની ફરજ પડી છે. આમ ધોળકા નગરપાલિકા દ્વારા પ્રથમ ૧૯ અને ત્યાર બાદ ૨૦ મકાન અને દુકાનધારકો અને જર્જરિત સરકરી ઇમારતોને નોટિસ ફટકારતા શહેરના અન્ય જર્જરિત ઇમારત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારનાર પાલિકાની જુની બિલ્ડિંગ જ જર્જરિત

પાલિકા તંત્ર ખાનગી તથા જર્જરિત જોખમી બયજનક મિલકોતોને તાત્કાલિક ઉતારી લઇ જોખમી રહિત કરવા નોટિસો ફટકારી છે ત્યારે પાલિકા પોતાની જુની નગરપાલિકાની જર્જરિત જોખમી ઇમારતને તાત્કાલિક અસરથી કેમ ઉતારવાની કામગીરી હાથ ધરી નહીં તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડયું છે.