પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ
પાટનગર યોજના વિભાગની પાણી શાખા મેદાને ઉતરી
નવા સેક્ટરોમાં ત્રણ હજાર અને જુના સેક્ટરોમાં ૨૫૦૦ જેટલા બાકીદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રની તૈયારી
સેક્ટર વિસ્તારમાં ૪૫ હજાર જેટલા નળ જોડાણ આપવામાં આવેલા છે.
જેમની પાસેથી પાણી અને ગટર વેરાની આગોતરી વસૂલાત કરવામાં આવે છે અને એડવાન્સમાં ટેક્સ
ભરનારા ગ્રાહકોને બિલની રકમમાં વળતર પણ કાપી આપવામાં આવે છે. પરંતુ વગદારોના આ શહેરમાં
પ્રતિ વર્ષે સેંકડોની સંખ્યામાં ગ્રાહકો દ્વારા પાણી વેરાના બિલની રકમ સમયસર ભરવામાં
આવતી નથી અથવા સદંતર ભરવામાં આવતી નથી. પરિણામે પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલનું
વ્યવસ્થાપન સરકાર માટે વધુ ખર્ચાળ સાબિત થતું રહે છે. પાટનગરમાં પીવા માટે નર્મદા કેનાલ
આધારિત પાણી પુરુ પાડવા પાછળ અને ગંદા પાણીના નિકાલ પાછળ જે ખર્ચ કરવામાં આવેૈ છે, તેની સામે કરવેરા
તરીકે તદ્દન મામુલી રકમ પરત મળે છે. આ સંજોગોમાં આ વર્ષે પણ જુની અને નવી બાકી પેટેના
રૃપિયા ૨.૨૫ કરોડની સામે સવા કરોડ જેવી જ વસૂલાત મળતાં ૫૫૦૦ જેટલા બાકીદારોને નોટિસ
આપવાનું શરૃ કરાયું છે.
આગામી વર્ષથી મીટર સક્રિય થવાથી નોટિસની જરૃર નહીં રહેવાની
શક્યતા
આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પીવાના પાણી અને ગંદા પાણીના
નિકાલની વ્યવસ્થાનું સંચાલન મહાપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવે તેવી પુરી શક્યતા
છે. મુખ્યમંત્રી કક્ષાએથી આવો નિર્ણય લેવાઇ ગયો છે અને કામગીરી સંબંધે મહાપાલકાના
કર્મચારીઓને તાલીમ પણ અપાઇ રહી છે. આ સાથે આગામી સમયમાં પાણીના મીટર લાગી જવાથી
બિલ નહીં ભરનારાના જોડાણ શોધવાનું પણ સરળ બની જવાથી પાણી પુરવઠો અટકાવીને વસૂલાત
કરવાનું પણ સરળ બનવાથી નોટિસો આપવાની જરૃર ન રહે તેવી શક્યતા છે.
નોટિસમાં અપાતી જોડાણ કાપી નાંખવાની ચેતવણીનો અમલ થતો નથી
પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી અને ગટર વેરાના બાકીદારોને નોટિસ આપવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આ નોટિસમાં બાકી નીકળતી રકમ બિલ મળ્યાના એક પખવાડિયામાં ભરવામાં નહીં આવે તો નળનું જોડાણ કાપી નાંખવામાં આવશે, તેવી ચેતવણી પણ લખવામાં આવેલી છે. પરંતુ પાણી શાખાની આ ચેતવણી હંમેશા કાગળ પર જ રહી જતી હોય છે. તંત્ર દ્વારા ખરા અર્થમાં નળના જોડાણ કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે પ્રતિ વર્ષે બાકીદારોની સંખ્યા પણ જેમની તેમ રહી જતી હોય છે.