જામવાળીમાં ગેરકાયદે ખનન બદલ વિઠ્ઠલ જાગાને રૃ. 50.60 કરોડનો દંડ ભરવા નોટિસ
સરકારી જમીનમાં ૨૮ કૂવા ખોદી ગેરકાયદેન ખનન કરતા કાર્યવાહી
ગેરકાયદે કૂવામાં યુવક લોડર સાથે ખાબકતા મોત નીપજ્યું હતું ઃ મહિનામાં દંડની રકમ ભરાઇ નહીં કરે તો ભૂમાફિયાની મિલકત ટાંચમાં લેવાશે
સુરેન્દ્રનગર - તાલુકાના જામવાળી ગામના ભૂમાફિયા વિઠ્ઠલ જાગાને ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે રૃા.૫૦.૬૦ કરોડનો દંડ ભરવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાએ ખોદેલા ગેરકાયદે કૂવામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું હતું. થાન
મુળીના ખાખરાળા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ૨૮ કાર્બોસેલના કુવાઓ ખોદી તેમાંથી તેમજ સરકારી જમીનમાંથી કાર્બોસેલ સહિત સેન્ડ સ્ટોન, ફાયર ક્લે સહિતની ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ તેમજ વેચાણ કરતા હોવાનું બહાર છે. જેના પગલે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર (રહે.જામવાળી)ને નિયમો મુબજ રૃા.૫૦,૬૦,૭૯,૧૬૦ ની વસુલતા કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. આ કેસમાં દંડની રકમ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એ સમયગાળામાં રકમ ભરપાઈ ન થાય તો એની મિલ્કત લેન્ડ રેવન્યુ કોડની વિવિધ કલમો હેઠળ ટાંચમા લઇ એની જાહેર હરાજી કરી વસૂલવા સહીતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જામવાળી ગામની સીમમાં વિઠ્ઠલ અલગોતર દ્વારા ખોદવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલા કૂવામાં ૨૧ વર્ષીય યુવક લોડર સાથે ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં પડતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં વિઠ્ઠલ જાગા અને તેના ચાર પુત્રો સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના જામવાળી ગામની સરકારી વન વિભાગની જમીન પર ગેરકાયદે ઉભી કરેલી હોટલ, બંગલો, ૧૫ દુકાન સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી રૃા.૧૨ કરોડની ૧.૫ એકર જમીન ખુલ્લી કરી હતી અને ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને તેનો પુત્ર રાહુલ જગાભાઈ અલગોતર સામે કાર્યવાહી હાથ ધરી છે.