Get The App

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ

કુબેરભવનના સ્ટ્રકચરને નુકસાન ઃ બિલ્ડિંગ ખાલી કરીને મજબૂતીકરણની કામગીરી હાથ ધરાશે

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ 1 - image

વડોદરા,નર્મદા ભવનની ઇમારતનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ ૪૫ ઓફિસો ૨૦ દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ હવે કુબેર ભવનની ઓફિસો પણ તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ સિટી આર એન્ડ બી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બહુમાળી કુબેરભવન ખાતે વિવિધ ખાતાઓની ઓફિસો આવી છે. જેમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી પણ છે, જેને બજાવેલી નોટિસમાં જણાવાયું છે કે સ્ટ્રકચરલ ઇન્વેસ્ટીગેશન અને બિલ્ડિંગની મજબૂતાઇનું મૂલ્યાંકન આર એન્ડ બીના સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેણે રિપોર્ટમાં કુબેરભવન બિલ્ડીંગનું સ્ટ્રકચરલ ડેમેજ થયું હોવાનું કહ્યું છે. 

જેથી બિલ્ડિંગની મજબૂતાઇની કામગીરી કરવાની હોવાથી ખાલી કરી દેવું જરૃરી છે, જેથી કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન સલામતીનો પ્રશ્ન ઊભો ના થાય. બિલ્ડિંગ સલામતીના કારણોસર ખાલી કરી દેવું ફરજિયાત છે, અને જ્યાં સુધી જરૃરી રીપેરીંગ કરવામાં નહિ આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. ભૂસ્તર શાસ્ત્રીની ઓફિસ કુબેરભવનના આઠમા માળે આવેલી છે, ઓફિસ ખાલી કરીને ક્યાં લઇ જવી તેની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. 

કુબેરભવનમાં જીએસટી વિભાગ, સબ રજીસ્ટ્રાર, સિંચાઇ વિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી, પેન્શન વિભાગ, ટ્રેઝરી ઓફિસ, નગર નિયોજન, સહકારી મંડળીઓના કેસો ચલાવવાની ઓફિસ સહિતની સંખ્યાબંધ ઓફિસો આવેલી છે. હજુ તાજેતરમાં જ નર્મદા ભવનનું રિનોવેશન કરવાનું હોવાથી તમામ ૪૫ ઓફિસો ખાલી કરી દેવાની નોટિસો આપવામાં આવી હતી. આ ઓફિસોનું રિનોવેશન કામ દોઢ વર્ષ સુધી ચાલશે. તાજેતરમાં મહી નદી ખાતેના ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા બાદ રાજયમાં બહુમાળી સરકારી ઇમારતો કે જે જર્જરિત બની છે, તેના મજબૂતીકરણ માટે સરકાર એકશનમાં આવી છે, અને બહુમાળી ઇમારતોની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ચકાસીને મજબૂતીકરણની કામગીરી કરવાનું શરૃ કર્યું છે.

Tags :