જેતપુરમાં સરકારી જમીન પર દબાણના મુદ્દે 80થી વધુ આસામીઓને નોટિસ
કરોડોની સરકારી જમીન પર દબાણના મુદ્દે અંતે તંત્ર જાગ્યું : સાત દિવસમાં દબાણ હટાવી તેનો કબજો વહિવટી તંત્રને સોંપી દેવા મામલતદાર દ્વારા નોટિસ ફટકારાઈ
જેતપુર, : જેતપુરમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો કરાયા છે. જેને લઇને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. જેતપુરનાં સામાકાંઠા વિસ્તાર તેમજ નવાગઢના દાસીજીવણપરા, બળદેવધાર વિસ્તારમાં દુકાનો,ગોડાઉનો ફરી સરકારી જમીન ઉપર હકક જમાવી બેઠેલા 80 થી વધુ આસામીઓને 7 દિવસમાં દબાણો હટાવી જમીન પરત કરવા મામલતદાર દ્વારા નોટીસ ફટકારાઈ છે.
જેતપુર શહેરના સામા કાંઠા વિસ્તાર તેમજ નવાગઢના મોટાભાગના વિસ્તારમાં સરકારની ખરાબાની જમીન 80 થી વધુ આસામીએ કબજો જમાવી દબાણ કરતા આ આસામીઓને જેતપુર શહેર મામલતદારે નોટીસ ફટકારી સાત દિવસમાં આ દબાણ હટાવવા માટે તાકીદ કરી છે. સરકારી ખરાબાની જમીન ઉપર 80થી પણ વધુ આસામીઓએ રહેણાક,દુકાન ગોડાઉન, વિષયક દબાણ કરી પોતાનો કબજો જમાવી દીધો છે. જો આસામીઓ સાત દિવસમાં આ સરકારી જમીનનું દબાણ દૂર કરીને તેનો કબજો વહીવટી તંત્રને નહીં સોંપે તો દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ જમીનની કિંમત કરોડો રૂપિયાની થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં અનેક સાડીઓના એકમ આવેલા હોય તેમજ પરપ્રાંતિયો મજૂરોની અવરજવર રહેતી હોય જેથી.આ વિસ્તારમાં મોટા પાયે સરકારી જમીન પર દુકાનો તેમજ ગોડાઉન તેમજ મજૂરોને રહેવા માટે ઓરડીઓ બાંધી ગેરકાયદેસર દબાણ કરી મસ મોટા ભાડાઓ વસૂલ કરી રહ્યા છે સરકારી જમીનો પરના દબાણને લઇને તંત્ર સફાળું જાગ્યું છે. પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો કાર્યવાહી થવા દેશે કે તંત્રને નોટિસો આપી સંતુષ્ટિ માની લેવી પડશે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી છે.