Get The App

સુરતમાં પથ્થરમારા બાદ રાજકોટમાં પોલીસ ઍલર્ટ, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ

Updated: Sep 10th, 2024

GS TEAM


Google News
Google News
સુરતમાં પથ્થરમારા બાદ રાજકોટમાં પોલીસ ઍલર્ટ, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ 1 - image

24 hours CCTV- Volunteers in Ganesh Pandals: સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂરી સૂચનાઓ આપી હતી. 

શહેરના એડિશ્નલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. 

તેની સાથે પોલીસ પણ ગણપતિ પંડાલો આસપાસ પેટ્રોલીંગ કરતી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી. પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરતી રહેશે.

ખાસ કરીને રાતના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા ગણપતિ પંડાલના આયોજકોને પોલીસે સૂચના આપી હતી. એટલું જ નહીં વિર્સજન વખતે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહીં વગાડવા સહિતની પણ સૂચના આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ વખતે શહેરમાં 324 ગણપતિ પંડાલના આયોજકોએ જે-તે વિસ્તારના પોલીસ મથકોમાં નોંધણી કરાવી છે. આ તમામ આયોજકો સાથે  આજે મિટીંગ ગોઠવવામાં આવી હતી. ગણપતિ વિર્સજન સુધી પોલીસ આયોજકો સાથે સતત સંપર્કમાં રહેશે. એટલું જ નહીં આયોજકોને પણ પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે. 

Tags :