મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટના: માત્ર બ્રિજ નહીં પરંતુ, અનેક વિદ્યાર્થીઓના સપનાનો માર્ગ તૂટ્યો
બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવનને ગંભીર અસર
મુજપુર - ગંભીરા બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવન તથા વિદ્યાર્થીઓના ભણતર ઉપર સીધી અસર વર્તાઈ હોય સમય વેડફ્યા વિના વિદ્યાર્થીઓ માટે ખાસ વાહનોની વ્યવસ્થા તથા બ્રિજના સમારકામની લોકમાંગ ઉઠી છે
પાદરા તાલુકાને આણંદ જિલ્લાના ભાદરણ અને બોરસદ સહિતના વિસ્તારોથી જોડતો મહત્વપૂર્ણ મુજપુર - ગંભીરા બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવન ઉપર ગંભીર અસર વર્તાઇ છે. ખાસ કરીને, પાદરા ,જંબુસર તરફથી ભણવા માટે ભાદરણ અને બોરસદની કોલેજો અને શાળાઓમાં જતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર આ ઘટનાની સીધી અસર થશે. કારણ કે, આ બ્રિજ તૂટી પડતા અન્ય રસ્તાનો વિકલ્પ અથવા જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નથી, આ માર્ગ ફરી શરૂ થવામાં ઘણો વિલંબ થઈ શકે તેમ છે. તાત્કાલિક ધોરણે પાદરા, મિયાગામ, જંબુસર તરફથી ભાદરણ, બોરસદ જતા વિદ્યાર્થીઓ માટે એસટી બસ અથવા ખાનગી વાહનોની વ્યવસ્થા નહી થાય તો, હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે.