સરસ્વતી સાધના યોજના હેઠળ શેડયુલ કાસ્ટ અને આદિજાતીની એકપણ સાયકલ અપાઈ નથી

- વર્ષ 24-25 અને 25-26 નો લક્ષ્યાંક લેવાયા બાદ
- ભાવનગરમાં બક્ષીપંચ હેઠળ બે વર્ષનાં 15040 સામે આ વર્ષમાં કુલ 4645 સાયકલનંષ વિતરણ કરાયુ
મળતી વિગતો મુજબ ધો.૯ની વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા-જવામાં અનુકુળતા રહે તેવા આશય સાથે સરસ્વતી સહાય યોજના હેઠળ સાયકલ આપવાનું આયોજન કરાયું છે. જે કામ માટે ગ્રીમકો કંપનીને કામ અપાયુ છે. દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા બાદ ફાઈનલ લક્ષ્યાંક આપવામાં આવે છે. જે મુજબ સાયકલ જે તે સેન્ટર પર બનાવી તેની ખરાઈ કરી વિતરણ માટે મોકલાતી હોય છે. જોકે ગત વર્ષે લક્ષ્યાંક અપાયા બાદ કંપનીની પેટા કંપનીનું કામ યોગ્ય નહીં જણાતા બ્લેક લીસ્ટ કરાતા વર્ષ ૨૪-૨૫ની સાયકલોનું વિતરણ સમગ્ર ગુજારતમાં અટકી પડયું હતું. જ્યારે આ વર્ષે નવા લક્ષ્યાંક સામે કોન્ટ્રાકટર રીન્યુ તથા કામગીરી બમણી થવા પામી છે. ભાવનગરમાં આ યોજના ત્રણ વિભાગમાં કાર્યરત છે. બક્ષિપંચ વિભાગમાં ગત વર્ષનો ૭૯૨૮નો લક્ષ્યાંક હતો અને વર્ષ ૨૫-૨૬નો ૭૧૧૨નો લક્ષ્યાંક છે. આમ કુલ ૧૫૦૪૦ની સામે ગત વર્ષની ૨૮૩૦ અને ચાલુ વર્ષની ૧૮૧૫ મળી ૪૬૪૫ સાયકલનું વિતરણ કરાયું હોવાનું જણાયું છે. જ્યારે એસ.સી. વિભાગમાં ગત વર્ષનાં ૩૭૬ અને ચાલુ વર્ષનાં ૪૦૦ મળી ૭૭૬નો લક્ષ્યાંક હોવા છતાં હજુ એક પણ સાયકલ વિતરણ થઈ નથી. તો આદિજાતી વિભાગમાં છેલ્લા બે વર્ષનાં ૫૦ વિદ્યાર્થીનીના લક્ષ્યાંક સામે એક પણ સાયકલ વિતરણ થઈ ન હોવાનું જણાયુ છે. આમ એક વર્ષ વિતવા ઉપરાંત નવા વર્ષનાં લક્ષ્યાંકને પણ ચાર માસ થયા હોવા છતાં વિદ્યાર્થીનીઓને સાયકલ મળી શકી નથી અને શાળાએ આવવા જવા ખાનગી વાહનોનો કે પગપાળા જવુ પડી રહ્યું છે.








