ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ, ઊંઝા-બહુચરાજી તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ

Rain in North Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની શરુઆત સાથે ઊંઝા- બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. દોઢ ઇંચ જેટલા વરસાદના લીધે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિત મહેસાણાના ઐઠોર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતનો પાક જવાની ચિંતા ફેલાઈ છે.
હવામાન વિભાગની આગાહી
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 25થી 27 ઑક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે (25 ઑક્ટોબર) વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલે (26 ઑક્ટોબર) વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 27 ઑક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

