Gujarat

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ

By GS TEAM
13 May 20262 mins read
દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની  ફરિયાદ ના થઇ

 વડોદરા,વડસર  ગામ નજીક સરકારી જમીનમાં જ દારૃનું સ્ટેન્ડ શરૃ કરનાર લિસ્ટેડ બૂટલેગર સામે વડોદરાની પોલીસ કોઇ કાર્યવાહી કરતી  નહી હોવાથી છેવટે એસ.એમ.સી.એ  રેડ  પાડી હતી. સરકારી જમીનમાં ઘુસણખોરી કરી દારૃનો ધંધો કરતા બૂટલેગર સામે ગેરકાયદે પ્રવેશનો ગુનો હજી તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યો નથી. 

માથાભારે બૂટલેગર અર્જુન મારવાડીએ વડસર ગામની  પાછળ આવેલી ગૌશાળાની સરકારી જમીનમાં જ દારૃનું સ્ટેન્ડ બિન્ધાસ્તપણે શરૃ  કર્યું હતું.  આ સ્ટેન્ડની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા છતાંય રેડ પાડી નહતી. તે અંગે ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટાફને છાવરી રહ્યા છે.  છેવટે એસ.એમ.સી.ની ટીમે રેડ પાડી વડોદરા પોલીસનું નાક કાપ્યું હતું. અર્જુન ઉર્ફે સની મારવાડી અને કરણ મારવાડીના દારૃના સ્ટેન્ડ પર રેડ પાડી  સુનિલ ધીરૃભાઇ ભાલીયા  તથા રોશન ઠાકોરભાઇ પરમાર ( બંને રહે. વડસર ગામ) ને ઝડપી પાડયા હતા. પોલીસે દારૃ અને બિયરની ૬૨૨ બોટલ કિંમત રૃપિયા ૬.૫૦ લાખની  કબજે કરી હતી. બંને આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતા કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અર્જુન, કરણ તથા દારૃનો સપ્લાયર નીરવ પટેલ હજી ફરાર છે. ઉલ્લેખનીય છે કે, દારૃ વેચાણનો વીડિયો વાયરલ થતા છંછેડાયેલા બૂટલેગરે જાનથી મારી નાખવાની  ધમકી વીડિયો વાયરલ કરનારને આપી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી થતા પોલીસ દ્વારા તપાસ શરૃ થઇ છે. મકરપુરા પી.આઇ. એ.એમ. ગોહિલનું કહેવું છે કે, અમે કોલ રેકોર્ડિંગ તેમજ સી.ડી.આર. ના આધારે તપાસ કરી રહ્યા છે. પુરાવા મળ્યા પછી કાર્યવાહી થશે. અરજદારે અરજી કરતા સમયે કોલ રેકોર્ડિંગના પુરાવા આપ્યા નહતા.