જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં
તોફાની સમુદ્રમાં કોસ્ટગાર્ડની મદદથી સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ : હજુ 50 ફિશિંગ બોટ સાથે 400 માછીમારો મધદરિયે હોવાથી પરત લાવવા કવાયત : એક સિંહ પણ વરસાદી પાણીમાં ફસાયાનો વીડિયો વાયરલ
અમરેલી, : અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા ઉછળતા અનેક માછીમારોની બોટો ફસાઈ ગઈ હતી. સ્થાનિક તંત્ર અને કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ત્રણ ફિશીંગ બોટ પલટી ગઈ હતી. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું ગઈકાલે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારોનો હજુ આજે પણ કોઈ પત્તો લાગ્યો નહોતો.
જાફરાબાદની બોટો ડૂબ્યાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર , ધારાસભ્ય અને અધિકારીઓએ માછીમારોના આગેવાનો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. લાપતા માછીમારોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ દ્વારા બે એરક્રાફ્ટ અને અન્ય જહાજોની મદદ લેવામાં આવી છે. જોકે, દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. હવામાન સ્વચ્છ થતાં પોરબંદર અને દમણથી વધુ ચાર એરક્રાફ્ટ પણ બચાવ કામગીરીમાં જોડાશે.
બીજી તરફ અતિવૃષ્ટિના કારણે માત્ર માનવજીવન જ નહીં, વન્યજીવો પણ પ્રભાવિત થયા છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવેલા પીપાવાવ પોર્ટ નજીકની દરિયાઈ ખાડીમાં એક સિંહ વરસાદી પાણીમાં ફસાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સિંહ પાણીમાંથી બહાર નીકળવા માટે મથામણ કરતો જોવા મળે છે. સદભાગ્યે, સિંહ સલામત રીતે પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.