સુરત સમિતિની શાળાના વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાના ખર્ચે સાધન-ગણવેશ અપાયા પણ સ્પોર્ટ શિક્ષકોની ભરતી નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ખેલ પ્રતિભા બહાર આવે તે માટે લાખો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કીટ આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સુરત પાલિકાએ 21 કરોડના ખર્ચે નેશનલ ખેલાડી જેવા કપડાં અને બુટ મોજા આપ્યા છે. સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પાલિકા અને સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બાળકોમાં રહેલી પ્રતિભા ઓળખવા અને તેને બહાર લાવવા માટે પીટી શિક્ષકો (ખેલ શિક્ષકો)ની જરૂર છે. તેની ભરતી કરવામાં જ આવતી નથી. હાલ સુરત પાલિકાની 363 શાળા છે પરંતુ રમત ગમતના શિક્ષકોની સંખ્યા માંડ 30 છે. આવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લવાયેલા સાધનોનો ઉપયોગ યોગ્ય માર્ગદર્શન વિના જ કરવામાં આવશે તે નક્કી છે.
ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં સરકારી શાળામાં આપવામાં આવનાર રમતગમતના સાધનો આપવા માટે જણાવ્યું છે. ઉપરાંત જણાવ્યું છે કે, બાળકોના વિકાસના સંદર્ભમાં વિવિધ પ્રકારો જેવા કે, શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસ જેવા ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર અને વિશિષ્ટ યોગદાન આપવાની ક્ષમતા રમતગમતમાં છે, જે ક્રમશ: વ્યક્તિત્વ વિકાસ તરફ દોરી જાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, શિક્ષણમાં રમત ગમતના મહત્વ પર અને રમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લેવા પર ભાર મુકાશે. આગામી સમયમાં સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થી સંખ્યા મુજબ સરકારી શાળામાં રમત ગમતના સાધનો આપવામાં આવશે તેની સાથે કીટની યાદી પણ આપવામાં આવી છે.
જોકે, સુરત પાલિકાએ 21 કરોડના ખર્ચે નેશનલ ખેલાડી જેવા કપડાં અને બુટ મોજા આપ્યા છે અને સરકાર લાખો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કીટ આપવા જઈ રહી છે. પરંતુ તેનો ઉપયોગ કરવા માટે સ્પોર્ટ્સ ટીચરની ભરતી માટે પાલિકા કે સરકાર કોઈ નક્કર નિર્ણય કરતી નથી. જેના કારણે સુરત પાલિકાની 363 જેટલી શાળા છે પરંતુ સ્પોર્ટ શિક્ષક માત્ર 30 છે. એટલું જ નહી પરંતુ ઘણી શાળામાં રમત ગમત માટે મેદાન પણ નથી. આવા સંજોગોમાં આ સાધનોનો ઉપયોગ કોણ અને કઈ રીતે કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.








