છોટાઉદેપુરનો 'ઝોળીદાર' વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udaipur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. આઝાદીના વર્ષો બાદ પણ કુપ્પાથી સાંકડીબારી સુધીનો રસ્તો કાચો હોવાને કારણે એક સગર્ભા મહિલાને તેના પરિવારજનો ઝોળીમાં ઊંચકીને લઈ જવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચોઃ સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત, પતિએ જ ઘડ્યું હતું હત્યાનું કાવતરું
શું હતી ઘટના?
નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભા રસીલાબેન ડુંગરાભીલને પ્રસુતિની પીડા ઉપડી હતી. ગામ સુધી પહોંચવાનો રસ્તો કાચો અને દુર્ગમ હોવાથી 108 એમ્બ્યુલન્સ કુપ્પા ગામ સુધી આવી શકી ન હતી. આથી, પરિવારજનોએ ઝોળી બનાવી રસીલાબેનને તેમાં સુવડાવ્યા અને ખભે ઊંચકીને કુપ્પા ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર સાંકડીબારી ગામ સુધી પગપાળા લઈ ગયા હતા. સાંકડીબારી ગામે 108 એમ્બ્યુલન્સ ઉભી હતી, જ્યાં સગર્ભાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર અર્થે નસવાડી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોની માંગ
સ્થાનિક રીપેસભાઈ ડુંગરાભીલે જણાવ્યું હતું કે, "મારી ભાભીને પ્રસુતિનો દુખાવો ઉપડતાં અમે તેમને ઝોળીમાં ઊંચકીને ત્રણ કિલોમીટર સુધી ચાલીને 108 સુધી પહોંચ્યા હતા. સરકાર વહેલી તકે અમારા ગામનો પાકો રસ્તો બનાવે તો સારું."
![]() |
નોંધનીય છે કે, આ વિસ્તારમાં અવારનવાર સગર્ભા મહિલાઓને દવાખાને પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાના કિસ્સાઓ અને વિડીયો સામે આવતા રહે છે.
13 કરોડના ખર્ચે પાકા રસ્તાની દરખાસ્ત
નસવાડી પંચાયત આર.એન્ડ.બી. વિભાગમાંથી મળતી માહિતી મુજબ, આ કાચા રસ્તાને પાકો બનાવવા માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે. સરકાર દ્વારા આ રસ્તો મંજૂર કરવામાં આવ્યા બાદ નવો રસ્તો બનશે. જોકે, અંતરિયાળ વિસ્તારના લોકોની આ હાડમારીનો અંત ક્યારે આવશે તે તો સમય જ બતાવશે.










