સુરતમાંથી પસાર થતી ખાડી પર ખાનગી સ્ટ્રકચર માટે મંજુરી આપવામાં નહીં આવે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવતા પૂરને રોકવા માટે હાઈલેવલ કમિટી બનાવી છે આ કમિટિ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખાડી પૂર માટે ઝીંગા તળાવ સાથે ખાડીમાં ખાનગી સ્ટ્રકચર જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કમિટિએ હવે પછી ખાડીમાં ખાનગી સ્ટ્રકચર માટે મંજૂરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે. જો જરૂરી હોય તો પાલિકા અને સિંચાઈ વિભાગ સંયુક્ત મંજૂરી આપી શકશે અને તે માટે આગામી દિવસમાં બ્રિજમાં ખાનગી સ્ટ્રકચર માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના વહેણ વચ્ચે 25 થી વધુ કલવર્ટ બનાવી દેવાયા છે અને તેમાંથી મોટા ભાગના મંજુરી વિનાના છે. આ ઉપરાંત અન્ય ખાનગી સ્ટ્રકચર છે જે ખાડીના વહેણને અવરોધે છે અને તેના કારણે ખાડી પૂરની તીવ્રતા વધી રહી છે. પ્રાથમિક સર્વેમાં આ વાત બહાર આવ્યા બાદ કેટલાક નક્કર પગલાં માટે કવાયત શરૂ કરી દીધી છે. આ અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યુ હતું કે, ખાડી પૂર રોકવા માટે ઝીંગા તળાવ દુર કરવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત ખાડીમાં કોઈ પણ પ્રકારના ખાનગી સ્ટ્રકચર, કલવર્ટ બનાવવા માટે ઝોન દ્વારા મંજૂરી આપવામાં આવશે નહીં. જો જરૂરી હોય તો પાલિકા અને સિંચાઈ વિભાગ સંયુક્ત મંજૂરી આપશે. આ માટે આગામી દિવસોમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે જેમાં ક્યા પ્રકારના સ્ટ્રકચરને મંજૂરી મળી શકે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
હાલમાં ખાડીમાં કલવર્ટ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ખાડીના પાણીને અવરોધતા હોય તેવા કલવર્ટ દુર કરવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ બાકીના કલવર્ટ દૂર કરાશે અને તેમાં રહીશો માટે રસ્તાની વ્યવસ્થા રહે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
ખાડીની બન્ને તરફ પાલિકા-સરકાર અને સિંચાઈ વિભાગની જગ્યા ઓળખી કઢાશે
સુરતમાંથી પસાર થતી ખાડીની આસપાસ ખાનગી, પાલિકા, સરકાર અથવા સિંચાઈ વિભાગની કેટલીક જગ્યા આવી છે. આ જગ્યા કોની છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે.અને ખાડીનું પાણીનું વહેણ જાય તેમજ ખાડીને વહેણને સ્પેસ મળે તે રીતે ટેકનીકલ ફિઝિબિલિટી ચકાસવા સુચના આપી દેવામાં આવી છે. આ કામગીરી માટે સિંચાઈ વિભાગ દ્વારા વાપકોસ પાસેથી કામ હાલ કરાવવામાં આવી રહ્યું છે. જે માટેનો પ્રિલિમિનરી રિપોર્ટ વાપ કેસ દ્વારા સબમીટ કર્યો હતો તેના પર આજે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ખાડી કિનારે આવેલા ઉદ્યોગો વેસ્ટ ખાડીમાં નાંખે છે તેનો પણ સર્વે થશે
સુરતમાં આવતા ખાડી પૂર માટે ખાડીમાં ખાનગી સ્ટ્રકચર, ઝીંગા તળાવ જવાબદાર છે સાથે ખાડી પુરાણ માટે ખાડી કિનારે આવેલા કેટલાક ઉદ્યોગો પણ જવાબદાર છે. તેથી હવે ખાડી કિનારે આવેલા ઉદ્યોગો ખાડીમાં વેસ્ટ નાખે છે તેનો પણ સર્વે કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
સુરતમાંથી પસાર થતી ખાડી કિનારે અનેક ઉદ્યોગો આવ્યા છે અને અનેક રહેણાંક સોસાયટી પણ આવી છે. હાલમાં સફાઈની કામગીરી ચાલી રહી છે તેમાં ખાડીમાંથી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સીધું વેસ્ટ છોડવામાં આવે છે તે પણ નીકળી રહ્યું છે. આ ગંભીર બાબત છે અને ખાડીઓમાં ઇન્ડસ્ટ્રી દ્વારા સીધું વેસ્ટેજ છોડવામાં આવતું હોય છે. તે માટેનો પણ સર્વે કરવા માટે સુચના આપવામાં આવી છે. તે માટે હાલ ફીલ્ડમાં સર્વે ચાલી રહ્યો છે. અને ખાડીઓમાં શું આવે છે? કેટલી માત્રામાં આવે છે તેની જાણકારી પણ મેળવવા સાથે જીપીસીબીને પણ જાણ કરવામાં આવશે.








