વડોદરામાં જાહેર માર્ગો પરના મુખ્ય જંકશનો "નો પાર્કિંગ ઝોન" બનાવ્યા

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્રારા શહેરના જાહે૨ માર્ગો પરના જંકશનો “નો પાર્કિંગ ઝોન" જાહેર કરાયા છે. આ માટે હાલ નો-પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવવાની કામગીરી ક૨વામાં આવી ૨હી છે. લોકો જાહેર માર્ગો પરના જંકશન પર આડેધડ વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસરૂપે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
શહેરના મુખ્ય જાહેર માર્ગો પરના જંક્શનો ઉપ૨ ટ્રાફિકમાં અવરોધ ઉભો ન થાય અને હંગામી દબાણો પણ ન ઊભા થાય તેને ધ્યાને લઈ મુખ્ય જંકશનોની આજુબાજુ 30 મીટ૨ના અંત૨ સુધી “નો-પાર્કીંગ” અંગે અને દબાણો દુ૨ ક૨વા કોર્પોરેશન સખતાઈ દાખવશે. 36 મીટર તથા 40 મીટ૨ના રીંગ રોડ ઉપર આવેલા કુલ-31 જંક્શનો ઉપ૨ “નો પાર્કીંગ ઝોન”ના બોર્ડ લગાડવામાં આવેલ છે. ટુંક સમયમાં અન્ય મુખ્ય જંક્શનો ઉપર પણ 30 મીટરના અંતરે “નો પાર્કીંગ ઝોન”ના બોર્ડ લગાડવામાં આવશે. થોડા વખત અગાઉ કોર્પોરેશનમાં ડીસીપી ટ્રાફિક, એસીપી ટ્રાફિક અને કોર્પોરેશનના અધિકારીઓની પાર્કિંગ પોલિસીના અમલ માટે એક સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. પાર્કિંગ માટે નવી જગ્યાઓ ઉભી કરવા તેમજ પોલિસીનો અમલ કરાવવાની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ધ્યાને રાખીને ખાસ તો કોમર્શિયલ તેમજ રહેણાક મિલકતોના રિઝર્વ પાર્કિંગની જગ્યાઓમાં દબાણ હશે તો તે ટીડીઓની બાંધકામ પરમિશન અને પોલીસ શાખા દ્વારા દૂર કરવામાં આવશે.

