Gujarat

રાજકોટમાં અંદાજે 2000 ખાડા પડયા તેમાં જવાબદાર કોઈ નહીં!

By GS TEAM
12 Jul 20252 mins read
રાજકોટમાં અંદાજે 2000 ખાડા પડયા તેમાં જવાબદાર કોઈ નહીં!

મરમ્મત ચાલી રહ્યાનો દાવો પણ ખાડા કેમ પડયા તે અંગે મૌન  : મહાપાલિકામાં કમિશનરે રસ્તાના કામો કરાવ્યા કે નહીં તે મુદ્દે નહીં પણ બેઠકમાં હાજર નહીં રહેવા મુદ્દે ભાજપને ખોટુ લાગ્યું 

રાજકોટ, : રાજકોટમાં મનપાના સર્વે મૂજબ 1723 થી વધુ સ્થળોએ પણ લોકોની ફરિયાદો મૂજબ અંદાજે 2000થી વધુ નાના-મોટા ખાડા પડયા છે. ભાગ્યે જ કોઈ રસ્તો સમથળ રહ્યો છે અને વર્ષે અંદાજે 100 કરોડનું આંધણ રસ્તા માટે થાય છે, 9થી 10 કરોડ માત્ર મરમ્મત માટે ખર્ચાય છે અને છતાં ચોમાસાની શરુઆતમાં જ માર્ગો પર ગાબડાં પડવા વધુ રકમનું આંધણ છતાં લોકોની હાલત ઠેરઠેર ખાડાથી અત્યંત દયનીય બની છે ત્યારે ગંભીર વાત એ છે કે આ માટે હજુ સુધી કોઈની જવાબદારી ફીક્સ નથી થઈ કે નથી કોઈને ઠપકો કે સૂચના અપાઈ કે નથી આ ગાબડાં પડવાનું મનપા દ્વારા કોઈ કારણ શોધાયું.

મેયરની અધ્યક્ષતામાં રસ્તા સહિતના પ્રશ્ને સંકલન બેઠક યોજાઈ તેમાં મ્યુનિ.કમિશનર અધિકારીઓ પાસે રસ્તા કેમ સારા ન રખાવી શક્યા, આટલી બધી ફરિયાદો કેમ આવી તે મુદ્દે શાસકોને કોઈ વાંધો ન્હોતો પરંતુ, કમિશનર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી બેઠકમાં વાતો કરવા હાજર ન રહ્યા તે મુદ્દે વિવાદ સર્જાયો હતો અને શહેર ભાજપ પ્રમુખે આ મુદ્દે મેયર-કમિશનર વચ્ચે સંકલન રાખવાની વાત કરી હતી. 

ભાજપના કોર્પોરેટરો મોટાભાગના રાજકારણમાં આવ્યા બાદ કરોડોપતિ થઈ ગયા છે અને પદાધિકારીઓ સહિત આ નેતાઓ ખાડા પરથી પસાર થાય તો પણ થડકાં ન લાગે તેવી કારમાં પ્રજાના ખર્ચે આવતા જતા હોય છે અને તેથી પ્રજાની સમસ્યાનો અહેસાસ જ નહીં થતા જનરલબોર્ડમાં 68માંથી એક પણ કોર્પોરેટરે ભંગાર રસ્તા કેમ તેવો સવાલ ઉઠાવ્યો નથી.