રાજકોટમાં અંદાજે 2000 ખાડા પડયા તેમાં જવાબદાર કોઈ નહીં!
મરમ્મત ચાલી રહ્યાનો દાવો પણ ખાડા કેમ પડયા તે અંગે મૌન : મહાપાલિકામાં કમિશનરે રસ્તાના કામો કરાવ્યા કે નહીં તે મુદ્દે નહીં પણ બેઠકમાં હાજર નહીં રહેવા મુદ્દે ભાજપને ખોટુ લાગ્યું
રાજકોટ, : રાજકોટમાં મનપાના સર્વે મૂજબ 1723 થી વધુ સ્થળોએ પણ લોકોની ફરિયાદો મૂજબ અંદાજે 2000થી વધુ નાના-મોટા ખાડા પડયા છે. ભાગ્યે જ કોઈ રસ્તો સમથળ રહ્યો છે અને વર્ષે અંદાજે 100 કરોડનું આંધણ રસ્તા માટે થાય છે, 9થી 10 કરોડ માત્ર મરમ્મત માટે ખર્ચાય છે અને છતાં ચોમાસાની શરુઆતમાં જ માર્ગો પર ગાબડાં પડવા વધુ રકમનું આંધણ છતાં લોકોની હાલત ઠેરઠેર ખાડાથી અત્યંત દયનીય બની છે ત્યારે ગંભીર વાત એ છે કે આ માટે હજુ સુધી કોઈની જવાબદારી ફીક્સ નથી થઈ કે નથી કોઈને ઠપકો કે સૂચના અપાઈ કે નથી આ ગાબડાં પડવાનું મનપા દ્વારા કોઈ કારણ શોધાયું.
મેયરની અધ્યક્ષતામાં રસ્તા સહિતના પ્રશ્ને સંકલન બેઠક યોજાઈ તેમાં મ્યુનિ.કમિશનર અધિકારીઓ પાસે રસ્તા કેમ સારા ન રખાવી શક્યા, આટલી બધી ફરિયાદો કેમ આવી તે મુદ્દે શાસકોને કોઈ વાંધો ન્હોતો પરંતુ, કમિશનર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી બેઠકમાં વાતો કરવા હાજર ન રહ્યા તે મુદ્દે વિવાદ સર્જાયો હતો અને શહેર ભાજપ પ્રમુખે આ મુદ્દે મેયર-કમિશનર વચ્ચે સંકલન રાખવાની વાત કરી હતી.
ભાજપના કોર્પોરેટરો મોટાભાગના રાજકારણમાં આવ્યા બાદ કરોડોપતિ થઈ ગયા છે અને પદાધિકારીઓ સહિત આ નેતાઓ ખાડા પરથી પસાર થાય તો પણ થડકાં ન લાગે તેવી કારમાં પ્રજાના ખર્ચે આવતા જતા હોય છે અને તેથી પ્રજાની સમસ્યાનો અહેસાસ જ નહીં થતા જનરલબોર્ડમાં 68માંથી એક પણ કોર્પોરેટરે ભંગાર રસ્તા કેમ તેવો સવાલ ઉઠાવ્યો નથી.