Gujarat

રોડ ઉપરના ખાડા માટે કોઈ કોન્ટ્રાકટરને નોટિસ નહીં પણ ૧૬૯૫ સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપનારા બે એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

By GS TEAM
29 Jul 20252 mins read
રોડ ઉપરના ખાડા માટે કોઈ કોન્ટ્રાકટરને નોટિસ નહીં પણ  ૧૬૯૫ સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપનારા  બે એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

અમદાવાદ,મંગળવાર,29 જુલાઈ,2025

અમદાવાદમાં આ વર્ષે ચોમાસામાં ૨૬ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વિવિધ રોડ ઉપરના આઠ હજારથી વધુ ખાડા કોર્પોરેશને પુરવા પડયા છે. આમ છતાં રોડ બનાવનારા એકપણ કોન્ટ્રાકટરને નોટિસ અપાઈ નથી.જયારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં પ્રાઈવેટ અને ટેન્ડર સાઈટ મળી કુલ ૧૬૯૫ સાઈટ માટે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપનારા બે એન્જિનિયરોના લાયસન્સ સસ્પેન્ડ કરવા કમિટીના ચેરમેને સુચના આપી છે. ચેરમેન પ્રિતિશ મહેતાના કહેવા મુજબ, આ બંને એન્જિનિયરો દ્વારા અપાયેલા સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટિફિકેટ પછી કોઈ જગ્યાએ હોર્ડીંગ્સ પડયુ હોય એવી કોઈ ઘટના તેમના ધ્યાનમાં નથી. એસ્ટેટ વિભાગે બંનેને લાયસન્સ રદ કરવા નોટિસ આપી દીધી છે.તેમનો જવાબ મળશે પછી આગળની કાર્યવાહી કરાશે. જો હોર્ડીંગ્સ પડયા જ નહોય તો કયા કારણથી આ બે ઈજનેરોને ટારગેટ કરાઈ રહયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવાનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ  સત્તાધારી પક્ષના વિવિધ કમિટીના ચેરમેનો તેમના ધાર્યા ટારગેટ પાર પાડવા મથી રહયા હોય એવી ચર્ચા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં જોર પકડતી જાય છે.ચોમાસામાં વિવિધ રોડ ઉપર આઠ હજારથી વધુ ખાડા કોર્પોરેશને પુર્યા એ સમયે રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ હતુ કે, ડીફેકટ લાયાબીલીટી વાળા એકપણ રોડ ઉપર ખાડા પડયા નથી. આમ કહી તેમણે કોન્ટ્રાકટરોને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.કોર્પોરેશન રોડ બનાવવા કરોડો રુપિયાનો ખર્ચ કરે છે.તો રોડ ઉપરના ખાડા પણ જે તે કોન્ટ્રાકટર જ પુરે એવી જોગવાઈ કેમ સત્તાધીશો કરતા નથી.ભલેને ત્રણ વર્ષ પહેલા રોડ બન્યો હોય.

 બીજી તરફ સોમવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં  સ્ટ્રચરલ એન્જિનિયર મહેશ પ્રજાપતિ અને નૃપેશ તલાટી દ્વારા  ૩ જુલાઈ-૨૦૨૫ સુધીમાં પ્રાઈવેટ અને ટેન્ડર સાઈટ માટે આપવામાં આવેલા મોન્સૂન સ્ટ્રકચરલ સ્ટેબીલીટીને લઈ લંબાણ પૂર્વક ચર્ચા થઈ હતી. કમિટી ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ, મહેશ પ્રજાપતિ દ્વારા ૧૧૨૮ પ્રાઈવેટ અને ૯૦ ટેન્ડર સાઈટ મળી કુલ ૧૨૧૮ તેમજ નૃપેશ તલાટી દ્વારા ૩૫૫ પ્રાઈવેટ સાઈટ તથા ૧૨૨ ટેન્ડર સાઈટ એમ કુલ મળીને ૪૭૭ સાઈટ માટે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટિફિકેટ અપાયા હોવાની વિગત સામે આવી છે.આટલા ઓછા સમયમાં કઈ રીતે આટલી મોટી સંખ્યામાં કોઈ વ્યકિત કઈ રીતે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી આપી શકે. આ મુદ્દા ઉપર બંને સ્ટ્રકચરલ એન્જિનિયરોને નોટિસ આપવાથી લઈ તેમનુ લાયસન્સ સસ્પેન્ડ કરવા  સુચના અપાઈ છે.