સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી
વડોદરાઃ વડોદરા શહેર જિલ્લાની સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગકારોએ આઠ મહિના પહેલા રસ્તા,ગટર, લાઈટો, દબાણોના મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આઠ મહિના પછી પણ જીઆઈડીસીની દુર્દશા યથાવત છે.તેમાં પણ ચોમાસાના આગમન પછી ઉબડ ખાબડ રસ્તાઓ ઉદ્યોગો માટે પરેશાની સર્જી રહ્યા છે.
જીઆઈડીસીના ઉદ્યોગો સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર મકરપુરા જીઆઈડીસીમાં નાના અને મધ્યમ કક્ષાના ૪૦૦૦ જેટલા ઉદ્યોગો છે અને આ ઉદ્યોગો મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે ટેકસ પેટે લગભગ ૪૦ કરોડ રુપિયા ચૂકવે છે.આમ છતા પાયાની સુવિધાઓ માટે ઉદ્યોગકારોએ આજીજી કરવી પડી રહી છે.આઠ મહિના પહેલા ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટોની સમસ્યાને હલ કરવામાં આવી હતી.જોકે બીજા પ્રશ્નો તો હજી પણ યથાવત છે.
જીઆઈડીસીમાં છેલ્લે ૨૦૦૫માં રોડ બનાવવામાં આવ્યા હતા.એ પછી રોડ જ બન્યા નથી અને જીઆઈડીસીમાં અવર જવર કરતા વાહનોની સંખ્યામાં ચાર ગણો વધારો થઈ ચુકયો છે.ચોમાસામાં તો રોડની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે.ચોમાસા પહેલા જીઆઈડીસીના વરસાદી કાંસોની સફાઈ પણ કરવામાં આવી નહોતી.આમ વધારે વરસાદ પડે તો પાણી ભરાવાનો પણ ડર છે.ઉપરાંત દબાણોની અને આડેધડ પાર્કિંગની સમસ્યા પર પણ તંત્ર ધ્યાન આપી રહ્યું નથી.
ગત નવેમ્બર મહિનામાં આ મુદ્દે વીસીસીઆઈના નેજા હેઠળ ઉદ્યોકારોએ કોર્પોરેશન સમક્ષ રજૂઆત પણ કરી હતી.તેમનું કહેવું હતું કે, અમે કરોડો રુપિયાનો વેરો કોર્પોરેશનને ચુકવીએ છે પણ તેના બદલામાં અમને પ્રાથમિક સુવિધાઓ મેળવવાનો પણ હક નથી તેવું કોર્પોરેશનના શાસકો માની રહ્યા છે.