વારસાઈ આંબો મેળવવા હવે ગ્રામ્યમાં ધકકા ખાવા નહિ પડે, શહેરમાં નીકળશે


મહેસુલ વિભાગે પરિપત્ર જાહેર કરી પ્રક્રિયા સરળ બનાવી   : માત્ર ખેતી- બિન ખેતીની જમીન જ નહિ, હવે રહેણાકનાં મકાનો, ફલેટ,  દુકાનો જેવી મિલકતો માટે પેઢીનામું તૈયાર કરવા તલાટીઓને સૂચના 

 રાજકોટ, : વારસાઈ મિલકતોનાં હકક હિસ્સા માટે જયારે વારસાઈ આંબો ( પેઢીનામુ ) ની જરૂર પડે ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મામલતદાર કે તલાટી પાસે અનેક ધકકા ખાવા છતાં વતનમાં ગામડે આ કામ માટે અરજદારને ધકેલવામાં આવતા હોય છે આવી ફરિયાદો વધી રહી હોય અંતે મહેસુલ વિભાગે એક પરિપત્ર ઈસ્યુ કરીને આ પ્રક્રિયા સરળ બનાવી છે અને માત્ર ગ્રામ્ય જ નહિ શહેરી - કસ્બાનાં તલાટીઓને પણ રહેણાંકનાં પુરાવાનાં આધારે વારસાઈ આંબો કાઢી આપવા સૂચનાઓ આપી છે. 

મહેસુલ વિભાગે તા. 20-9- 22 નાં રોજ પરિપત્ર કરી અગાઉ  વર્ષ 2014માં કરેલા પરિપત્રમાં કેટલાક સુધારાઓ કર્યા છે. ખેતીની જમીન અને બીન ખેતીની જમીન જ નહિ પરંતુ હવેથી ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં આવેલા પરંતુ સિટી સર્વેમાં દાખલ થયેલા ન હોય તેવા વિસ્તારોમાં આવેલા મકાન, દુકાન, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજયક દુકાનો કે ઓફિસ જેવી સ્થાવર મિલકતોની બાબતમાં વારસાઈ આંબો કે પેઢીનામુ કઢાવવા કોઈ અરજી કરે તો રહેણાંકનાં પુરાવાનાં આધારે સબંધિત તલાટી કમ મંત્રી , સિટી અથવા કસ્બા તલાટીઓએ પણ પેઢીનામુ કાઢી આપવાનું રહેશે. 

બેન્કોમાં ખાતુ ધરાવનાર કોઈ વ્યકિતનાં કિસ્સામાં વારસાઈ હકો માટે પણ આવુ પેઢી નામુ માંગવામાં આવે છે જો કે સરકારે આ બાબતનો પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી પરંતુ આવા કિસ્સાઓ માટે વારસાઈ આંબો તૈયાર કરી આપવો જોઈએ તેવી સુચના સરકાર આપે તેવી રજુઆતો કરવામાં આવી છે. વ્યકિતનાં અવસાનનાં કિસ્સામાં રહેણાંકનાં સ્થળનાં પુરાવાનાં આધારે તલાટીઓએ પેઢીનામુ તૈયાર કરવા આદેશ કરાયો છે. દરમિયાન મે - 2014 નાં પરિપત્રમાં સોંગદનામુ કરવાનો ઉલ્લેખ કરાયો છે તેના બદલે હવે સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવા પણ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. 

City News

Sports

RECENT NEWS