ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે
Vadodara : ક્લાઈમેટ ચેન્જ વિશ્વની સૌથી ગંભીર સમસ્યા છે પરંતુ 99 ટકા લોકોને તેના અંગે સાચી જાણકારી નથી. ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ એટલી બેકાબૂ બની ચૂકી છે કે, વૃક્ષો ઉગાડવાથી કે પ્લાસ્ટિક રિસાયકલ કરવા જેવા ઉપાયોથી તેમાં કોઈ સુધારો થવાનો નથી. કેન્સરના દર્દીની સારવાર પેરાસિટામોલથી ના થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે તેમ મુંબઈ આઈઆઈટીના પ્રોફેસર ક્લાઈમેટ ચેન્જ અંગે 10 વર્ષનું જાગૃતિ અભિયાન શરૂ કરનાર પ્રો.ચેતન સોલંકીએ એક વાતચીતમાં કહ્યું હતું.
પ્રો.સોલંકીએ આજે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ..સિમિત ધરતી અને સિમિત જરૂરિયાતો... વિષય પર લેકચર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્સરની સારવાર કિમોથેરાપીથી જ થઈ શકે અને ક્લાઈમેટ ચેન્જનો ઉપાય એક જ છે કે, લોકો પોતાની જરૂરિયાતો ઘટાડે. પૃથ્વીનું કદ વધવાનું નથી પણ છેલ્લા 30-40 વર્ષથી માનવજાતે કરેલી પ્રગતિના કારણે લોકોની જરૂરિયાતો વધતી ગઈ છે. જેના માટે તો છેવટે ધરતી પરના કુદરતી સંસાધનોનો જ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેનું અંતિમ પરિણામ ક્લાઈમેટ ચેન્જ સ્વરૂપે જોવા મળી રહ્યું છે. ઉદાહરણ તરીકે લોકો પાસે 30 થી 40 જોડ કપડા હોય છે. કપડાની એક જોડ માટે 10000 લીટર પાણી વપરાય છે. સેંકડો ટન કાર્બનનું ઉત્સર્જન થાય છે. 100 વર્ષની પ્રક્રિયા બાદ ધરતીમાં કોલસો બને છે. વધારાની લાઈટો પંખા ચાલુ રાખીને આ કોલસાને આપણે એક જ દિવસમાં વેડફી નાંખીએ છે.
ચેતન સોલંકીએ કહ્યું હતું કે, દુનિયાના દરેક વ્યક્તિએ જરૂરિયાતોને મર્યાદિત કરવી પડશે. નહીંતર અત્યારે સ્કૂલો અને કોલેજોમાં ભણતા બાળકો અને વિદ્યાર્થીઓની પેઢીએ તેના માઠા પરિણામ ભોગવવા પડશે. જો માનવ જાત ધરતીના સંસાધનનો બેફામ વપરાશ ચાલુ રાખશે તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 થી 6 ડિગ્રી સુધી વધી જશે. ફિલ્મોમાં બતાવે છે તેમ માણસોનો એકી ઝાટકે સર્વનાશ નહીં થાય. પ્રકૃતિ માણસોને તડપાવી-તડપાવીને મારશે. ટેક્સાસનું પૂર કે પછી ઉત્તર કાશીમાં આવેલા પૂરનો દાખલો આપણી નજર સામે જ છે.
મારા ઘરમાં ફ્રીઝ, એસી, ગીઝર નથી
પ્રો.ચેતન સોલંકી કહે છે કે, હું દસ વર્ષ સુધી જાગૃતિ અભિયાન ચલાવવાનો છું. 2020થી મેં તેની શરૂઆત કરી છે અને મેં આ અભિયાન ચાલશે ત્યાં સુધી ઘરે નહીં જવાની પ્રતિજ્ઞા લીધી છે. પાંચ વર્ષથી હું ઘરે નથી ગયો. આઈઆઈટીમાં પણ હું પગાર વગરની રજા પર છું. હવે લાગે છે કે, નોકરી ગુમાવવી પડશે. હું પરણેલો છું અને બે સંતાનો પણ છે. મારા ઘરમાં ફ્રિઝ, એસી, ગીઝર જેવા ઉપકરણો નથી અને હું કપડાને ઈસ્ત્રી પણ કરતો નથી. બને ત્યાં સુધી સાદાઈથી જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
જીડીપી વધે છે પણ દરેકના ચહેરા પર ખુશી અને સંતોષ છે?
તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જીડીપીની પાછળ ભાગી રહ્યા છે. દર વર્ષે પાંચ થી 6 ટકાના દરે આપણો જીડીપી વધે છે પરંતુ તેનાથી દરેકના ચહેરા પર સંતોષ કે ખુશી જોવા મળે છે ખરી? કોઈ માને કે ના માને પણ માણસને અંતે તો ત્રણ જ વસ્તુની જરૂરિયાત છે અને તે છે પ્રેમ, આનંદ અને શાંતિની...