આરોપી નિર્દોષ છોડાયાના ચુકાદા સામે લીવ ટુ અપીલ નહી કરવી પડે : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
કોઇપણ કેસમાં આરોપીને નિર્દોષ છોટી મૂકતા હુકમ સામે રાજય સરકાર કે તપાસનીશ એજન્સી દ્વારા જયારે તે હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થાય ત્યારે તેની સાથે અલગથી લીવ ટુ અપીલ પણ ફાઇલ કરવાની રહેતી હતી પરંતુ ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે વર્ષો જૂની આ પ્રથા રદ કરી છે. જસ્ટિસ સમીર જે.દવેએ પોતાના ચુકાદામાં પણ સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, એકવીટલ અપીલમાં લીવ ટુ અપીલ અલગથી ફાઇલ કરવાની કોઇ જરૂર નથી.
કોઇપણ આરોપી નિર્દોષ છૂટયાના હુકમ સામેની ક્રિમીનલ અપીલમાં લીવ ટુ અપીલ દાખલ કરવાની વર્ષો જૂની પ્રથા હાઇકોર્ટે અયોગ્ય ઠરાવી
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાના કારણે હવે કોઇપણ કેસમાં નીચલી કોર્ટમાં આરોપી નિર્દોષ છૂટયા હોય તે હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવા ફાઇલ કરવી પડતી ક્રિમીનલ અપીલની સાથે સાથે હવે લીવ ટુ અપીલ અલગથી ફાઇલ નહી કરવી પડે. મેઇન ક્રિમીનલ અપીલમાં જ હવે કેસનું હીયરીંગ શકય બનશે. જસ્ટિસ સમીર દવેએ પોતાના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, સરકારની લીવ ટુ અપીલ એ વાસ્તવમાં સીઆરપીસીની કલમ-૩૭૮(૧) સાથે પેટા કલમ(૩) વાંચતા તે હેઠળ દાખલ કરાયેલી મેમોરેન્ડમ ઓફ અપીલની સમકક્ષ જ છે. મેઇન ક્રિમીનલ અપીલમાં જ કેસનો હેતુ અને હાર્દ સમાવિષ્ટ કે પરિપૂર્ણ થઇ જાય છે ત્યારે અલગથી લીવ ટુ અપીલ ફાઇલ કરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના સ્ટેટ ઓફ રાજસ્થાન વિરૂધ્ધ રામદીન તથા અન્યો સહિતના અન્ય કેસોમાં અપાયેલા ચુકાદાઓને ટાંકી તેનો આધાર લઇ લીવ ટુ અપીલ અંગે ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દો નિર્ણિત કર્યો હતો. નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પૂર્વ આરોપી એમડી રામ અવતાર અગ્રવાલને કરોડો રૂપિયાની લોન ધિરાણ કરવાના ગેરરીતિના કેસની અમદાવાદની સીબીઆઇ કોર્ટે નિર્દોષ છોડયા હતા. તે ચુકાદાથી નારાજ થઇ સીબીઆઇએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હીત, તે કેસની સુનાવણી દરમ્યાન લીવ ટુ અપીલનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત થયો હતો., જે નિર્ણિત કરી હાઇકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો અને સીબીઆઇની અરજી મંજૂર કરી હતી.
લીવ ટુ અપીલ એટલે શું...??
કોઇપણ કેસમાં નીચલી કોર્ટ કોઇ આરોપીને નિર્દોષ છોડે તો તે ચુકાદાને પડકારવો હોય તો રાજય સરકાર કે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલ કરવી પડે. આ ક્રિમીનલ અપીલ એડમીટ(દાખલ) થાય અને તેની સુનાવણી આગળ થઇ શકે તે માટે સરકારે પહેલાં લીવ ટુ અપીલ ફાઇલ કરવી પડે અને તેમાં હાઇકોર્ટને એ વાત ગળે ઉતારવી પડે એટલે કે, અદાલતને સંતોષ કરાવવો પડે કે, નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં પુરાવાનું ખોટુ અર્થઘટન કરાયુ છે અને નીચલી કોર્ટનો ચુકાદો ખોટો છે. જો હાઇકોર્ટ સંતોષિત થાય તો તે લીવ ટુ અપીલ મંજૂર કરે ત્યારપછી જ ક્રિમીનલ અપીલ એડમીટ થાય અને તેની આગળની સુનાવણી થાય. જો લીવ ટુ અપીલ નામંજૂર થાય તો ક્રિમીનલ અપીલ સીધેસીધી જ નીકળી જાય.
હાઇકોર્ટના આ ચુકાદાના કારણે સરકારનો સમય, શકિત અને ખર્ચ બચશે
નિર્દોષ છોડયાના કોઇપણ કેસમાં ક્રિમીનલ અપીલની સાથે ગુજરાત હાઇકોર્ટમાં ઘણા વર્ષોથી લીવ ટુ અપીલ ફરજિયાતપણે ફાઇલ કરવાની પ્રથા હતી, જો કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે સરકારને ક્રિમીનલ અપીલ પહેલાં લીવ ટુ અપીલ ફાઇલ કરવાની જ નહી થાય., તેથી સરકારપક્ષના સરકારી વકીલોનો સમય, શકિત અને ખર્ચ બચશે. સરકારમાં પણ અધિકારીઓનો સમય અને શકિત બચશે. સીધી ક્રિમીનલ અપીલમાં જ હવે કેસની સુનાવણી શકય બનશે. વકીલો-પક્ષકારોને પણ આ ચુકાદાથી રાહત મળશે.