ગુજરાતમાં PM મોદીના કાર્યક્રમોમાં QR કોડ વિના પ્રવેશ નહીં, જાણો સરકારે કેમ લીધો નિર્ણય?
PM Modi Event in Vadodara: વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના વાલીઓએ પૂછેલા પ્રશ્નો બાદ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનારાઓને QR કોડ આપવામાં આવી રહ્યાં છે. આ QR કોડ સ્કેન કરાયા બાદ જ કાર્યક્રમમાં એન્ટ્રી મળશે. સુરતમાં ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે એન.જી.ઓ. જે હાજર રહેવાના હોય તેઓને QR કોડ માટેની પ્રક્રિયા થઈ રહી છે. વડા પ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેનારાઓને તેમને અપાયેલા QR કોડ સ્કેન કરાયા બાદ જ એન્ટ્રી આપવામાં આવશેની વાત સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
500 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાત મુર્હૂત
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભુજના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં સુરત પાલિકાના 500 કરોડથી વધુના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુર્હૂત કરવામાં આવશે. જેમાં 150 કરોડના બાયોડાયવર્સીટી પાર્કનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં સુરતથી 1400 લોકો જશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરો, શહેરના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ, માજી પ્રમુખ સાથે શહેરના એન.જી.ઓના સભ્યો, તબીબ અને સી.એ. પણ હાજર રહે તે માટેની કવાયત શરૂ થઈ છે. અને કાર્યક્રમમાં જવા માટે અપેક્ષિત લોકોને QR કોડ જનરેટ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના ગ્રુપમાં QR કોડ માટે સુચના આપવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન થાય છે, પરંતુ QR કોડ જનરેટ નથી થતો તેના માટે ટેકનિકલ સર્પોટ પણ આપવામાં આવી રહ્યો છે.
ક્યુઆર કોડ જનરેટ કરાવવા માટે દોડધામ
ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાનનો કાર્યક્રમ હોય તેમાં મોટી મેદની ભેગી કરવા માટે બસ અને અન્ય વાહનોનો ઉપયોગ થતો હોય છે. તેમાં કોણ આવે છે તે પણ જોવામાં આવતું નથી. પરંતુ પહેલી વાર ભાજપના જ કોર્પોરટેરો, હોદ્દેદારોની સાથે પ્રતિષ્ઠિત નાગરિકો પણ છે તેમને પણ QR કોડ આપવામાં આવી રહ્યાં છે તે નવાઈની વાત છે. જેનો QR કોડ સ્કેન થશે તેમને જ કાર્યક્રમ સ્થળે એન્ટ્રી મળશે તેવી વ્યવ્સથા ઉભી કરાઈ હોવાથી હવે ક્યુઆર કોડ જનરેટ કરાવવા માટે દોડધામ થઈ રહી છે.
વડોદરામાં સી.એમ.ની સભામાં બે મહિલાઓએ વ્યક્ત કર્યો હતો આક્રોશ
એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભાજપના કાર્યકરો સિવાય જે લોકો આવશે તેમના માટે QR કોડ સાથે સાથે પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવી શકે છે. સી.એમ.ના વડોદરાની સભામાં હરણીકાંડના પીડિત પરિવારોના આક્રોશ બાદ પીએમના કાર્યક્રમમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે તેવી ચર્ચા પણ શરુ થઈ ગઈ છે.