Gujarat

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓને 'નો એન્ટ્રી'

By GS TEAM
13 Apr 20262 mins read
TukuTouch Logo
રાંદેર ઝોનમાં વોર્ડ નંબર 10 ના સુમન આવાસમાં બોર્ડ લાગ્યા, ભાજપે મત માંગવા આવવું નહી, વેરો ભરીએ છીએ પણ પાણીની સમસ્યા દૂર થતી નથી, પહેલા સમસ્યાનો હલ કરો પછી મત

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓને 'નો એન્ટ્રી'

Surat : સુરત પાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર સામે રાજકીય પક્ષના કાર્યકરો નારાજગી કે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે તો બીજી તરફ હવે કેટલાક મતદારો પણ અનેક રજૂઆત અને લાંબા સમયથી ન થતા કામ કઢાવવા માટે પ્રેશર ટેકનીક અપનાવી રહ્યા છે. ઉત્રાણની એક સોસાયટીમાં તો તમામ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. તો રાંદેર ઝોનમાં એક વિસ્તારમાં ભાજપે મત માંગવા આવવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. આવા બોર્ડ સાથે મતદારો નેતાઓનો ક્લાસ લઈ રહ્યાં છે અને પહેલા કામ કરો પછી મત માંગો તેવી સ્પષ્ટ વાત કરી રહ્યાં છે. 

સુરતમાં ચુંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તો સક્રિય થઈ ગયા છે તેની સાથે સાથે હવે કેટલાક દુભાયેલા મતદારો પણ રાજકીય પક્ષો પાસે કામગીરીનો હિસાબ માંગી રહ્યા છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વોર્ડ નંબર 10 માં સુમન આવાસ આવ્યા છે. આ આવાસ બહાર ભાજપે મત માંગવા આવવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. આ બોર્ડ પાછળનું કારણ જણાવતા સ્થાનિકો કહે છે, પાલિકાએ ફ્લેટની સોંપણી કર્યા બાદ તરત વેરા બિલ પકડાવી દીધા હતા અને લાભાર્થીઓએ વેરા બિલ ભરી પણ દીધા છે. લાભાર્થીઓ પાલિકાનો વેરો સમયસર અને પુરો ભરતા હોવા છતાં અનેક સમસ્યા છે તેનું સમાધાન થતું નથી. છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવે છે. તેથી લોકો રોગનો ભોગ બને છે આ ફરિયાદનું નિરાકરણ થતું નથી. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટની માંગણી પણ સ્વીકારવામાં આવતી નથી. ભાજપના નેતાઓને અનેક રજૂઆત કરી છે છતાં તેઓ સાંભળતા ન હોવાથી ભાજપે મત માંગવા આવવું નહી તેવા બોર્ડ લગાવવાની ફરજ પડી છે. 

તો બીજી તરફ ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટી બહાર તો કોઈ પણ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા છે. સ્થાનિક આક્રોશ પૂર્ણ રીતે કહે છે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ મોટા મોટા વચન આપીને જતા રહે છે પરંતુ તેનો અમલ થતો નથી. આ વિસ્તારમાં લાંબા સમયથી પાલિકાની પ્રાથમિક સુવિધા પુરતી મળતી નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ પરિણામ આવતું નથી તેથી તમામ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે. આમ હવે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર અને રાજકીય પક્ષો સામે મતદારો પણ આક્રમક બન્યા છે અને પહેલા કામ કરો પછી મત આપીશું તેવો સંદેશો આપી રહ્યાં છે.