રેલવે વ્યવસ્થા અધૂરી? બુલેટ ટ્રેન તો આવશે, પણ અમદાવાદથી 10થી વધુ રાજ્યોમાં સીધી ટ્રેન નથી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rail Connectivity Issues: દેશના પશ્ચિમ ભાગનું સૌથી વ્યસ્ત રેલવે જંક્શન ગણાતા અમદાવાદ જંક્શન પરથી દરરોજ અંદાજે 300થી વધુ ટ્રેનોનું સંચાલન થાય છે. દેશના મોટા ભાગના રાજ્યો સાથે સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાના રેલવે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, જયપુર, લખનઉ અને પટણા જેવા શહેરો માટે રોજિંદી અથવા નિયમિત ટ્રેન સેવા ઉપલબ્ધ છે. જોકે, 'દેશને એકતાના સૂત્રમાં બાંધતી રેલવે'ના દાવાઓ વચ્ચે આજે પણ અનેક રાજ્યની રાજધાની સુધી અમદાવાદથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી.
ઉત્તર-પૂર્વ ભારત તરફ જતા મુસાફરોને આજે પણ લાંબી અને મુશ્કેલ મુસાફરીનો કરવો પડતો સામનો
ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જતા મુસાફરોને આજે પણ લાંબી અને મુશ્કેલ મુસાફરીનો સામનો કરવો પડે છે. મિઝોરમની આઈઝોલ, મેઘાલયની શિલોંગ, મણિપુરની ઈમ્ફાલ, નાગાલેન્ડની કોહિમા અને સિક્કિમની ગંગટોક જેવા શહેરોમાં પહોંચવા માટે બેથી ત્રણ ટ્રેન બદલવી પડે છે. કેટલાક સ્થળોએ તો રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા બાદમાં રોડમાર્ગે કલાકો સુધીની મુસાફરી કરવાની નોબત આવે છે.

અમદાવાદ અને ગુજરાતમાંથી વેપાર, અભ્યાસ, નોકરી અને સૈનિક સેવાના કામે ઉત્તર-પૂર્વ રાજ્યોમાં જતાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. છતાં સીધી ટ્રેન કનેક્ટિવિટી વધારવા બાબતે વર્ષોથી માત્ર જાહેરાતો જ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. એક તરફ રેલવે વિશ્વસ્તરીય સ્ટેશન, બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી હાઈપ્રોફાઈલ યોજનાઓને પ્રાથમિકતા આપે છે, જ્યારે સામાન્ય મુસાફરોની સીધી કનેક્ટિવિટી જેવી મૂળભૂત જરૂરિયાતો હજુ પણ અધૂરી છે.

રેલવે દ્વારા અમદાવાદને દેશના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ હબમાં સામેલ ગણાવવામાં આવે છે. અમદાવાદ જંક્શન ઉપરાંત સાબરમતી, અસારવા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી પણ અનેક ટ્રેનોનું સંચાનલ થાય છે. તેમ છતાં અનેક રાજ્યની રાજધાની સુધી સીધી ટ્રેન ન હોવાને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રેલવે દ્વારા દેશના ખૂણાને જોડવાની વાતો તો થાય છે, પરંતુ આજે પણ અનેક રાજધાની સુધી સીધી ટ્રેન શરૂ કરવાની વાત ફક્ત કાગળો પર જ રહી છે. હવે તો મુસાફરો રેલવે બજેટ અને નવી ટ્રેન જાહેરાતોમાં ઉત્તર-પૂર્વ અને દુરસ્ત રાજ્યો માટે સીધી ટ્રેન કનેક્ટિવિટી વધારવાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ
શું કહે છે રેલવે અધિકારી?
આ અંગે અમદાવાદ ડિવિઝનના રેલવે પીઆરઓ અજય સોલંકી સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, 'ઉત્તર-પૂર્વમાં અમુક રાજ્યોમાં હજુ રેલવે લાઈન નથી. જ્યાં રેલવે લાઈન નાંખવા બાબતની કામગીરી આગળ ચાલી રહી છે. જ્યારે બાકીના અમુક રાજ્યોમાં જ્યાં અમદાવાદથી સીધી કનેક્ટિવિટી ના હોય ત્યાં જવા માટે દિલ્હીથી સીધી કનેક્ટિવિટી છે. મુસાફરોને ત્યાંથી ટ્રેન બદલીને અવરજવર કરે છે.'








