પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભારતમાં મજબૂરી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

No Cycle Tracks in Ahmedabad: મોટરસાયકલ, કાર સહિત તકનીકી ક્ષેત્રે મોટી ક્રાંતિઓ મોટા ભાગે પશ્ચિમી દેશોમાંથી આવી છે. પરંતુ કાર આવ્યા બાદ વિદેશીઓએ સાયકલ ફેંકી દીધી નહીં! આજે પણ નેધરલેન્ડ, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, સ્વીડન, ફિનલેન્ડ જેવા દેશોમાં 10થી 30 ટકા લોકો સાયકલ પર શાળા-કોલેજ તથા ઓફિસે જાય છે. પરંતુ મોટર વાહનો આવ્યા બાદ ભારતમાં સાયકલ જાણે માત્ર ગરીબોનું વાહન બની ગઈ. ત્યારે પરિવહનના ટકાઉ સાધનો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના બદલે તંત્રે પણ માર્ગો પરથી સાયકલ ટ્રેકની બાદબાકી કરી દીધી છે. અમદાવાદમાં હાલ એક પણ સાયકલ ટ્રેક ન હોવાથી ગણ્યાગાંઠ્યા સાયકલ ચાલકો પણ હવે ટુ-વ્હીલર તરફ વળી રહ્યા છે.
વિદેશમાં નેતાઓ પણ ગર્વથી ચલાવે છે સાયકલ
કોરોના મહામારી અને હાલમાં ચાલતી ઈંધણની કટોકટીએ લોકોને ફરી પરિવહનના પરંપરાગત માધ્યમો બાબતે વિચારતા કરી દીધું છે. એક બાજુ વિદેશમાં પીએમ સહિતના નેતાઓ, અધિકારીઓ ગર્વથી સાયકલ ચલાવે છે. જ્યારે ભારતમાં સાયકલ મોટા ભાગે મજબૂરીમાં ચલાવાય છે. એટલે જ સાયકલ ચલાવનારાઓની હવે ઉપેક્ષા કરાય છે. વિદેશી શહેરોની હરોળમાં ઉતરેલા સ્માર્ટ સિટી અમદાવાદમાં આજે એક પણ સાયકલ ટ્રેક નથી.
અકસ્માતનો ડર: બાળકોને સાયકલ પર મોકલતા વાલીઓમાં ભારે સંકોચ
વર્ષ 2019 દરમિયાન નારોલથી નરોડા અને જજીસ બંગલોઝ પાસે એક-એક સાયકલ ટ્રેક બનાવાયો હતો. પરંતુ બાદમાં તે પણ તોડી નંખાયા હતા. આટલું જ નહીં, 405 કરોડના ખર્ચે બનનારા શહેરના સાત નવા આઇકોનિક રોડની ડિઝાઇનમાં પણ સાયકલ ટ્રેકનો નામો નિશાન નથી. જેના લીધે સાયકલ ચાલકોને વાહનોથી ધમધમતા માર્ગો પર જીવના જોખમે આવજા કરવી પડે છે. પરિણામે હવે બાળકોને સાયકલ પર શાળા કે ટ્યુશન મોકલતા પહેલાં વાલીઓ સંકોચ અનુભવે છે.
એક સમયે મહિને 500 સાયકલ વેચાતી હતી, આજે માંડ 50-100નું વેચાણ
અમદાવાદમાં સાયકલ ચલાવનારાઓની સંખ્યા ઘટી રહી છે. આજથી દસેક વર્ષ અગાઉ સાયકલની એક સામાન્ય દુકાનેથી મહિને 500થી વધુ સાયકલો વેચાતી હતી. તેની સામે હવે મહિને માત્ર 50થી 100 સાયકલ વેચાય છે. બાળકો સિવાય મોટા ભાગે જરૂરિયાતમંદ છાત્રો અને શ્રમિકો જ સાયકલ ખરીદે છે. હવે તો 6-7 ધોરણના છાત્રો પણ શાળાએ સાયકલ લઈ જવામાં જાણે નાનપ અનુભવતા હોય તેઓ મોપેડ વાપરવા માંડ્યા છે.
આ પણ વાંચો: નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો
ભારતના કયા શહેરોમાં કેટલા લાંબા સાયકલ ટ્રેક?
- ચંદીગઢમાં 200 કિમી
- આગ્રા-ઈટાવાહમાં 207 કિમીનો સાયકલ હાઈવે
- પુણેમાં 80 કિલોમીટર
- હૈદરાબાદમાં 23 કિમી લાંબો સોલર રુફ સાયકલ કોરિડોર.









